નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના નવા વિક્રમોની ભરમાર…
ભારતનો વિક્રમી ટીમ-સ્કોર, સ્મૃતિના સૌથી વધુ ફિફ્ટી-પ્લસ, રિચાના જોઇન્ટ ફાસ્ટેસ્ટ ફિફ્ટી

નવી મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પોતાનો રેકોર્ડ-બ્રેક ટીમ-સ્કોર (217/4) નોંધાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ત્રીજી અને છેલ્લી ટી-20માં હરાવી દીધી હતી. એ સાથે, ભારતીય ટીમ આ સિરીઝની ટ્રોફી 2-1થી જીતી ગઈ છે. ભારતના નવા વિક્રમી સ્કોર ઉપરાંત સ્મૃતિ મંધાનાએ અને વિકેટકીપર રિચા ઘોષે પણ રેકૉર્ડ-બુકમાં નામ નોંધાવ્યું હતું.
આ પણ વાંચો : આર અશ્વિન સાથે પક્ષપાત કરવામાં આવ્યો! નિવૃત્તિ બાદ સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો
હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 217 રન બનાવ્યા હતા. ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતનો આ નવો વિક્રમ છે. ભારતનો અગાઉનો ટીમ-સ્કોરનો વિક્રમ 201/5 હતો જે તેમણે યુએઈ સામેની મૅચમાં નોંધાવ્યો હતો. ભારતના આ 217 રન ટી-20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી ચૂકેલા તમામ દેશોમાં હાઈએસ્ટ ટીમ-સ્કોર પણ છે.
ભારતના 217 રનમાં ખાસ કરીને સ્મૃતિ મંધાનાનાં 77 રન તેમ જ વિકેટકીપર રિચા ઘોષનાં 54 રન સામેલ હતા. સ્મૃતિ મંધાનાનાં ટી-20માં હવે 30 ફિફ્ટી-પ્લસ સ્કોર થયા છે જે નવો વિશ્વવિક્રમ છે. તેણે ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સ (29 ફિફ્ટી-પ્લસ સ્કોર)નો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે.
સ્મૃતિ મંધાનાના 30માંથી આઠ ફિફ્ટી-પ્લસ સ્કોર 2024ના વર્ષમાં નોંધાયા છે અને એક કૅલેન્ડર-યરમાં ટી-20માં સૌથી વધુ ફિફ્ટી-પ્લસ સ્કોરનો આ નવો વિશ્વ વિક્રમ પણ છે. તેણે ભારતની જ મિતાલી રાજનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. મિતાલીના 2018ની સાલમાં સાત ફિફ્ટી-પ્લસ સ્કોર હતા.
મંધાનાએ 2024ના વર્ષમાં ટી-20માં 763 રન બનાવ્યા છે અને એ રીતે તેણે શ્રીલંકાની ચમારી અથાપથ્થુનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે.
રિચા ઘોષે ફક્ત 18 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી જે સંયુક્ત રીતે વિશ્વવિક્રમ છે. તેણે ન્યૂ ઝીલૅન્ડની સૉફી ડિવાઇન અને ઑસ્ટ્રેલિયાની ફૉબે લિચફીલ્ડની બરાબરી કરી છે. રિચાએ આ સાથે સ્મૃતિ મંધાનાનો 24 બૉલમાં ફિફ્ટીનો ભારતીય વિક્રમ તોડ્યો છે.
આ પણ વાંચો : અશ્વિનના પિતાએ દીકરાની નિવૃત્તિના મુદ્દે મોટો ધડાકો કર્યો
વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 157 રન બનાવી શકી હતી અને ભારતનો વિજય થયો હતો. કૅરિબિયન ટીમના 157 રનમાં શિનેલ હેન્રીનાં 43 રન હાઈએસ્ટ હતા. લેફટ-આર્મ રાધા યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
રિચા ઘોષને પ્લેયર ઑફ ધ મૅચ અને મંધાનાને પ્લેયર ઑફ થી સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.