Archery world cup-2024: ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે જીત્યો ગોલ્ડ, ફાઇનલમાં ઇટાલીને હરાવ્યું
શાંઘાઈ: તીરંદાજી વિશ્વ કપના પ્રથમ તબક્કામાં ભારતીય પુરૂષ અને મહિલા કમ્પાઉન્ડ ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ઈટાલીને 236-225થી હરાવીને તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોચની ક્રમાંકિત જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ટીમે 24 એરોથી માત્ર ચાર પોઈન્ટ ગુમાવીને ઈટાલીને સારા માર્જિનથી હાર આપી હતી.
છ-છ તીરોના પ્રથમ ત્રણ પ્રયાસોમાં જ્યોતિ, અદિતિ અને પ્રનીત માત્ર બે વાર પરફેક્ટ 10થી ચૂકી ગયા હતા. આ ત્રણેએ માર્સેલા તોનિઓલી, ઇરેન ફ્રાંચિની અને એલિસા રોનેરની ઇટાલિયન ત્રિપુટી પર શરૂઆતમાં 178-171ની લીડ મેળવી હતી. અંતે ભારતીય ખેલાડીઓએ બે પોઈન્ટ ગુમાવ્યા પરંતુ તેનાથી વધુ ફરક પડ્યો નહીં અને તેઓએ 11 પોઈન્ટના માર્જીનથી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પુરૂષોની ટીમમાં અભિષેક વર્મા, પ્રિયાંશ અને પ્રથમેશ એફએ નેધરલેન્ડને 238-231થી હરાવ્યું હતી. નેધરલેન્ડની ટીમમાં માઈક શોલેસર, સિલ પીટર અને સ્ટેફ વિલેમ્સ હતા. ચોથી ક્રમાંકિત પુરૂષોની ટીમે 60નો સ્કોર કરીને પરફેક્ટ શરૂઆત કરી હતી અને પછીના બે સેટમાં માત્ર બે પોઈન્ટ ગુમાવ્યા હતા. આ પછી તેણે અંતિમ સેટમાં પરફેક્ટ 60નો સ્કોર કરીને જીત મેળવી હતી.