એશિયા કપમાં હાર્યા બાદ ભારતીય ખેલાડીઓએ કોના હાથે મેડલ લીધા? ચૅરમૅન હોવા છતાં નકવીથી દૂર રહીને તેનું નાક કાપ્યું

દુબઈઃ અન્ડર-19 એશિયા કપની ફાઇનલમાં રવિવારે ભારતનો પાકિસ્તાન સામે 191 રનથી પરાજય થયો, પણ ત્યાર બાદ ઇનામ-વિતરણ સમારોહમાં જે કંઈ બન્યું એ પાકિસ્તાન માટે બહુ શરમજનક કહેવાય, કારણકે ભારતની જુનિયર ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચૅરમૅન અને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીના હાથે રનર-અપ તરીકેના મેડલ ન સ્વીકારીને તેનું નાક કાપ્યું હતું. ભારતના બેટ્સમેન અભિજ્ઞાન કુન્ડુના 209 રન આખી ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ હતા.
આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતીય ખેલાડીઓએ આઇસીસીના અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્રોના સંઘના અધ્યક્ષ મુબસ્સિર ઉસ્માનીના હસ્તે મેડલ સ્વીકાર્યા હતા અને એ ફ્રેમમાં મોહસિન નકવી ક્યાંય પણ નહોતો. નકવીને બહુ દૂર ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું.
આપણ વાચો: અન્ડર-19 એશિયા કપમાં ભારતનો 234 રનથી વિજય…
નકવી (Naqvi)એ પાકિસ્તાનની વિજેતા ટીમને ટ્રોફી આપી હતી, પણ પાકિસ્તાની ટીમનું સેલિબ્રેશન થોડું ઝાંખુ તો લાગતું જ હતું. આ ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું.
સપ્ટેમ્બરના એશિયા કપ ટી-20 એશિયા કપમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું, પરંતુ ત્યારે ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી એટલે નકવીએ ટ્રોફી અને મેડલ્સ ગુમ કરી દીધા હતા. પછીથી સૂર્યકુમાર અને સાથીઓએ વર્ચ્યુઅલ ટ્રોફી સાથે સેલિબ્રેશન કર્યું હતું.



