ટૉપ-ઑર્ડર ફરી ફ્લૉપ, બીજી ટી-20માં ભારતના 124/6
કેબેહા (પોર્ટ એલિઝાબેથ): ભારતે શુક્રવારે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી-20 મૅચ 61 રનથી જીતી લીધા બાદ રવિવારે બીજી મૅચમાં ભારતની બૅટિંગનો રકાસ થયો હતો. પહેલા 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતે 45મા રને ચોથી વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ સમયાંતરે વિકેટ ગુમાવ્યા પછી છેવટે સ્કોર 20 ઓવરમાં છ વિકેટે 124 રન રહ્યો હતો અને યજમાન ટીમને જીતવા 125 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો.
શુક્રવારનો હીરો સંજુ સૅમસન આ મૅચમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. શુક્રવારે તે સતત બીજી ટી-20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બૅટર બન્યો હતો.
આ પણ વાંચો: ભારત સામેની પહેલી ટેસ્ટમાં આ નવો બૅટર રમશે ઓપનિંગમાં, ઑસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ…
રવિવારના બીજા મુકાબલામાં પણ સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. એકેય બૅટર 40 રનનો આંકડો પાર નહોતો કરી શક્યો. હાર્દિક પંડ્યાએ 45 બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી બનાવેલા 39 રન ટીમમાં સૌથી વધુ હતા. અક્ષર પટેલને હાર્દિકની પહેલાં (પાંચમા ક્રમે) બૅટિંગમાં મોકલવામાં આવ્યો હતો. જોકે તે 21 બૉલમાં ચાર ફોરની મદદથી માત્ર 27 રન બનાવી શક્યો હતો. તિલક વર્મા 20 બૉલમાં એક સિક્સર, એક ફોર સાથે 20 રનનો ફાળો આપી શક્યો હતો.
ઓપનર અભિષેક શર્મા (4 રન) અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (4 રન) પર બહુ મોટો મદાર હતો, પણ તેઓ ફરી સદંતર ફ્લૉપ ગયા હતા. રિન્કુ સિંહ પણ માત્ર નવ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો.
આ પણ વાંચો: ગૌતમ ગંભીર પર લટકતી તલવાર, હવે સિરીઝ હારીશું તો હોદ્દો ગયો જ સમજો!
ભારતે આ મૅચમાં શુક્રવારની જ ટીમ યથાવત રાખી હતી. અક્ષર પટેલના સ્થાને પેસ બોલિંગ ઑલરાઉન્ડર રમણદીપ સિંહને ઇલેવનમાં સમાવવાની ચર્ચા હતી, પણ એ નિર્ણય ટાળવામાં આવ્યો હતો.
સાઉથ આફ્રિકા વતી માર્કો યેનસેન, જેરાલ્ડ કૉએટ્ઝી, ઍન્ડિલ સિમલેન, કૅપ્ટન એઇડન માર્કરમ અને ઍન્કેબૅયોમ્ઝી પીટરે એક-એક વિકેટ લીધી હતી. અક્ષર પટેલ રનઆઉટ થયો હતો.