વર્લ્ડ કપ પહેલાં પાંચ ખેલાડીઓની ઈજા ભારતીય ટીમ માટે માથાનો દુખાવો છે
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર રિષભ પંત 2022ની સાલના કાર-અકસ્માત પછી ફરી મેદાન પર ઊતરવાની તૈયારીમાં તો છે, પણ જૂનના વર્લ્ડ કપ સંબંધમાં તેના વિશે કંઈ ચોક્કસ ન કહી શકાય. બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં પંત વિકેટકીપર અને બૅટર તરીકેને બન્ને જવાબદારી સંભાળશે, પણ વિશ્ર્વ કપ પહેલાં તે પૂર્ણપણે ફિટ રહેશે કે કેમ એ વિશે ભારતીય સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ દ્વિધામાં છે.
અહીં વાત એવી છે કે માત્ર પંત નહીં, પણ કુલ પાંચ ખેલાડીઓની વર્લ્ડ કપ માટેની ફિટનેસ વિશે પસંદગીકારો અને ભારતીય ટીમને આખરી ઓપ આપનારાઓ ચિંતામાં છે.
રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે તાજેતરમાં જ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી છે એટલે તમામ ખેલાડીઓ જોશમાં છે અને આઇપીએલમાં પોતપોતાની ટીમ માટે એ હકારાત્મક સંકેત છે. જોકે પંત સહિત પાંચ ખેલાડી એવા છે જેમને તાજેતરમાં જ કોઈને કોઈ પ્રકારની નાની-મોટી ઈજા થઈ હતી અથવા ઈજામુક્ત થઈ રહ્યા છે.
પંત વિશે તો આપણે જાણી ગયા. બીજો ખેલાડી છે રોહિત શર્મા. ધરમશાલાની છેલ્લી ટેસ્ટમાં ત્રીજા દિવસે (જે સિરીઝનો આખરી દિન બન્યો હતો) પીઠના દુખાવાને લીધે ફીલ્ડિંગ માટે મેદાન પર નહોતો આવ્યો અને જસપ્રીત બુમરાહે તેની ગેરહાજરીમાં સુકાન સંભાળ્યું હતું. હવે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી તેના સ્થાને હાર્દિક પંડ્યા કૅપ્ટન્સી સંભાળવાનો છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં રમતી વખતે વધુ ઈજા ન થાય એનું તેણે (રોહિતે) ખાસ ધ્યાન રાખવું પડશે.
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાંચ મહિનાથી ભારતીય ટીમની બહાર છે. છેલ્લે તે 19મી ઑક્ટોબરે વન-ડેના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે રમ્યો હતો. પગની ઈજાની સારવાર બાદ તે બેન્ગલૂરુમાં નૅશનલ ક્રિકેટ ઍકેડેમીમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. આમ તો તેણે આઇપીએલમાં બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગની જવાબદારી સંભાળવાની જ છે, મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું સુકાન પણ સંભાળવાનું છે અને ખાસ કરીને ફરી ઈજા ન થાય એની તકેદારી રાખવી પડશે.
કેએલ રાહુલ લખનઊ સુપર જાયન્ટ્સનો કૅપ્ટન છે. તે સાથળના દુખાવાનો શિકાર થયો હોવાથી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં પહેલી ટેસ્ટ રમી લીધા પછી બાકીની મૅચોમાં નહોતો રમી શક્યો. તેણે ગયા વર્ષે ઈજાને કારણે આઇપીએલની બહાર થઈ જવું પડ્યું હતું અને ઑપરેશન કરાવ્યું હતું. આ વખતે ઈજા થવાને લીધે તેણે ચેક-અપ માટે લંડન જવું પડ્યું હતું. હવે તેણે આઇપીએલ દરમ્યાન અને વર્લ્ડ કપ માટેની તૈયારી વખતે પ્રૅક્ટિસમાં ખાસ તકેદારી રાખવી પડશે.
શ્રેયસ ઐયર હમણાં તો ડોમેસ્ટિક ક્રિકેટને અવગણવા બદલ વિવાદમાં હતો, પરંતુ હવે મુંબઈ વતી રણજી ફાઇનલમાં રમ્યો છે તેનો એ વિવાદ ભૂતકાળ બની રહ્યો છે. જોકે પીઠની ઈજાને કારણે તે ગયા વર્ષે આઇપીએલ નહોતો રમી શક્યો અને તેના સ્થાને નીતિશ રાણાએ કેકેઆરનું સુકાન સંભાળ્યું હતું. બીસીસીઆઇએ તેને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની બહાર કરી દીધો હોવાથી પાછો મુખ્ય પ્રવાહમાં આવવા તનતોડ મહેનત કરશે. હેડ-કોચ રાહુલ દ્રવિડે તેને પુષ્કળ રન બનાવીને સિલેક્ટરોને પ્રભાવિત કરવાની સલાહ આપી હોવાથી પણ તે પોતાની ક્ષમતા પુરવાર કરવામાં કોઈ કસર નહીં છોડે. આ બધુ કરવામાં તે પાછો ઈજાનો ભોગ ન બને એ તેણે ખાસ ધ્યાન રાખવું પડશે.