ભારતીય ટીમને એશિયા કપ ટ્રોફી વહેલાસર મળી જશે, બન્ને દેશ વિકલ્પ શોધવા સંમત…

નવી દિલ્હીઃ સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારત (India) 28મી સપ્ટેમ્બરે પાકિસ્તાનને ફાઇનલમાં પરાસ્ત કરીને એશિયા કપમાં ચૅમ્પિયન બન્યું ત્યારથી ભારતીય ટીમના હકની ટ્રોફી (Trophy)ના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મડાગાંઠ છે એ શનિવારે ઉકેલાવાની શરૂઆત થઈ ગઈ હતી. બન્ને દેશના ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમને આ બહુમૂલ્ય ટ્રોફી કેવી રીતે મળી શકે એના વિકલ્પ આવનારા દિવસોમાં શોધવા સંમત થયા હતા. આ સકારાત્મક વળાંક દુબઈમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની મીટિંગ બહારની ખાસ મુલાકાત દરમ્યાન આવ્યો હતો.
દોઢ મહિનાથી ગૂંચવાયેલા આ મુદ્દે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) તેમ જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે સુમેળભર્યું સમાધાન થઈ રહ્યું હોવાનું ભારતીય બોર્ડના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ પીટીઆઇને શનિવારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 28મી સપ્ટેમ્બરે ભારતે ચૅમ્પિયનપદ મેળવ્યું ત્યારે સૂર્યકુમાર યાદવની ટીમે દુશ્મન-દેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના પ્રમુખ તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના વડા મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાની ના પાડી દીધી હતી. એ નકવીને નહોતું ગમ્યું અને બેશરમ બનીને તેણે ભારતના હકની ટ્રોફી મેદાન પરના ટેબલ પરથી લેવડાવીને એસીસીના કબાટમાં રખાવીને સમગ્ર ખેલકૂદ જગતમાં અક્કલનું પ્રદર્શન કર્યું હતું. ક્યારેય કોઈ ટીમને ફાઇનલ જીત્યા પછી ચૅમ્પિયનપદની ટ્રોફી ન મળી હોય એવી આ પહેલી જ ઘટના હતી.
સૈકિયાએ પીટીઆઇને શનિવારે જણાવ્યું હતું કે ` આઇસીસીની વિધિસરની બેઠકમાં ટ્રોફીના મુદ્દે બન્ને બોર્ડ વચ્ચેની મુલાકાત એજન્ડામાં હતી જ નહીં, પરંતુ આઇસીસીએ મારી તેમ જ પીસીબીના ચીફ નકવી વચ્ચે અલગથી બેઠક યોજી આપી હતી જેમાં આઇસીસીના વરિષ્ઠ હોદ્દેદારો અને અન્ય એક સિનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા. બન્ને દેશ તરફથી સુમેળભરી રીતે વાટાઘાટ શરૂ થઈ હતી અને એ વિશેષ બેઠક પરથી એટલી ખાતરી થઈ હતી કે બન્ને ક્રિકેટ બોર્ડ ટ્રોફીના મુદ્દે સુમેળભર્યો વિકલ્પ શોધી કાઢશે.’
સૈકિયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીના નામ નહોતા જાહેર કર્યા, પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ડેપ્યૂટી ચૅરમૅન ઇમરાન ખ્વાજા તથા સીઇઓ સંજોગ ગુપ્તાએ બન્ને બોર્ડ વચ્ચેની ચર્ચા શરૂ કરી હતી. સૈકિયાએ પીટીઆઇને એવું પણ કહ્યું હતું કે ` જો સ્થિતિ સકારાત્મક રીતે આગળ વધશે તો ટ્રોફીના મુદ્દાનો વહેલાસર ઉકેલ આવી જશે.’
જય શાહ આઇસીસીના ચૅરમૅન છે અને તેમના અધ્યક્ષસ્થાન હેઠળની ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થા ટ્રોફીને લગતો આ મુદ્દો સંભાળવા એક સમિતિની રચના કરશે એવું મનાય છે. જોકે બીસીસીઆઇના સેક્રેટરીએ આ અટકળ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ` આ તબક્કે આવી કોઈ સમિતિની જરૂર પણ નથી.’
ભારતના હકની ટ્રોફી દુબઈમાં એસીસીના હેડ ક્વૉર્ટરના કબાટમાં બંધ છે અને નકવીએ ત્યાંના સ્ટાફને કડક સૂચના આપી છે કે તેની પરવાનગી વિના આ ટ્રોફી કબાટમાંથી નીકળવી ન જોઈએ. નકવી પાકિસ્તાન સરકારમાં આંતરિક બાબતોને લગતું ખાતું પણ સંભાળે છે અને તેણે આગ્રહ રાખ્યો છે કે ભારતીયોએ તેની પાસેથી જ ટ્રોફી સ્વીકારવી પડશે.



