ભારતની ટીમ થઈ મજબૂત, શ્રીલંકા ખેલાડીઓની ઈજાથી ચિંતિત
આજે પ્રથમ વન-ડે, બપોરે 2.30 વાગ્યાથી: હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ભારત આગળ

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે અહીં ત્રણ મૅચવાળી શ્રેણીની પ્રથમ વન-ડે (બપોરે 2.30 વાગ્યાથી લાઇવ) રમાશે.
રોહિત શર્મા રાબેતા મુજબ આ ટીમનો સુકાની છે. વિરાટ કોહલી પણ વર્લ્ડ કપ પછી પહેલી વાર રમતો જોવા મળશે. શ્રેયસ ઐયર આ મૅચથી કમબૅક કરી રહ્યો છે. એ રીતે ટીમ ઇન્ડિયા મજબૂત થઈ ગઈ છે, કારણકે એમાં હવે ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમના ઘણા પ્લેયર સામેલ થઈ ગયા છે.
ટી-20 શ્રેણીમાં ભારતને 3-0થી વિજય અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વગેરે ખેલાડીઓ વન-ડે ટીમમાં નથી.
યજમાન શ્રીલંકાના પાંચ પ્લેયર ઈજા યા તો બીમારીને લીધે નથી રમવાના એટલે ચરિથ અસલંકાની ટીમ ઘણી નબળી પડી ગઈ છે.
મુખ્ય બે ફાસ્ટ બોલર મથીશા પથિરાના તથા દિલશાન મદુશન્કા અનુક્રમે ખભા તથા પગની ઈજાને લીધે સિરીઝમાં નહીં રમે.
દુશમન્થા ચમીરા બીમાર છે અને નુવાન થુશારાને અંગૂઠામાં ફ્રેક્ચર છે એટલે નથી રમવાનો.
ભારતે તમામ ફોર્મેટમાં શ્રીલંકાને છેલ્લી 10 મૅચમાં હરાવ્યું છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ જોઈએ તો 168માંથી 99 વન-ડે ભારતે અને 57 શ્રીલંકાએ જીતી છે. એક મૅચ ટાઈ થઈ છે અને 11 મૅચ અનિર્ણીત રહી છે.
બન્ને દેશની ટીમમાં કોણ-કોણ છે?
ભારતીય ટીમ: રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ કૅપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રિયાન પરાગ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, ખલીલ અહમદ અને હર્ષિત રાણા.
શ્રીલંકા: ચરિથ અસલંકા (કૅપ્ટન), પથુમ નિસન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસાલ મેન્ડિસ, સદીરા સમરાવિક્રમા, કામિન્ડુ મેન્ડિસ, મદુષ્કા, જેનિથ લિયાનાગે, વનિન્દુ હસરંગા, દુનિથ વેલાલાગે, ચામિકા કરુણારત્ને, માહીશ થીકશાના, ધનંજય, અસિથા ફર્નાન્ડો, એશાન મલિંગા અને મોહમ્મદ શિરાઝ.
Also Read –