એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેરઃ તિલક વર્માને સોંપાઇ કેપ્ટનશિપ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે ઓમાનમાં યોજાનાર મેન્સ ટી-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે ફાઈનલ 27 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં યજમાન ઓમાનની સાથે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.
ભારતે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. તિલક વર્માને ઇન્ડિયા-એ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યુવા ઓપનર અભિષેક શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીમાં ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
અભિષેક શર્મા સતત બીજી વખત ઇમર્જિંગ એશિયા કપમાં રમશે. છેલ્લી વખત ભારત યશ ધુલની કેપ્ટનશીપમાં આ ટુર્નામેન્ટમાં રમ્યું હતું જ્યાં ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર્યું હતું. આઈપીએલ ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેન આયુષ બદોનીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર ખેલાડી નિશાંત સંધુ અને મુંબઈ ઈન્ડિયન્સનો બિગ હિટર નેહલ બઢેરા સાથે રમનદીપ સિંહ પણ ઈન્ડિયા-એ ટીમમાં સામેલ છે.
ઇમર્જિંગ એશિયા કપ 2024 માટે ભારતની ટીમ
તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, અનુજ રાવત, પ્રભ સિમરન સિંહ, નેહલ વઢેરા, અંશુલ કંબોજ, ઋત્વિક શૌકીન, આકિબ ખાન, વૈભવ અરોરા, રસિખ સલામ, સાંઈ કિશોર, રાહુલ ચાહર.