
કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની બીજી વન-ડેમાં વરસાદની સંભાવના વચ્ચે બૅટિંગ પસંદ કરીને 50 ઓવરમાં નવ વિકેટે 240 રન બનાવ્યા હતા અને ભારતને 241 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. એક પણ શ્રીલંકન બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.
સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદરે 30 રનમાં ત્રણ, કુલદીપ યાદવે 33 રનમાં બે તેમ જ અક્ષર પટેલે 38 રનમાં એક વિકેટ લીધી હતી. પેસ બોલર મોહમ્મદ સિરાજને 43 રનમાં એક જ વિકેટ મળી હતી, પણ તેણે મૅચના પહેલા જ બૉલમાં એ વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી.
આ પણ વાંચો: શું અમ્પાયરે શુક્રવારે ટાઇ બાદ સુપર ઓવર ન આપીને બ્લન્ડર કર્યું હતું?
શ્રીલંકાના કૅપ્ટન ચરિથ અસલંકાએ બૅટિંગ લીધા પછી તેની ટીમે પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ સિરાજે પડકારરૂપ ઓપનર પથુમ નિસન્કાને પ્રથમ બૉલમાં વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. સિરાજના લેટ-કટરમાં નિસન્કાના બૅટની બહારના ભાગ પર કટ લાગી જતાં બૉલ સ્ટમ્પ્સની પાછળ ગયો હતો અને રાહુલે જમણી દિશા તરફના એ બૉલને ઝીલી લીધો હતો.
ત્યાર બાદ અવિષ્કા ફર્નાન્ડો (40 રન, 62 બૉલ, પાંચ ફોર) અને વિકેટકીપર કુસાલ મેન્ડિસ (30 રન, 42 બૉલ, ત્રણ ફોર) વચ્ચે 74 રનની બીજી વિકેટ માટેની ભાગીદારીએ ટીમને સારી સ્થિતિમાં લાવી દીધી હતી, પરંતુ 74મા રને સ્પિનર વૉશિંગ્ટન સુંદરના હાથમાં ફર્નાન્ડો કૅચઆઉટ થઈ જતાં શ્રીલંકાનો ધબડકો શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો: ઇશાન કિશન ફરી ક્રિકેટ રમતો જોવા મળશે, કેપ્ટનશીપ પણ આપવામાં આવી શકે; અહેવાલમાં ખુલાસો
ત્યાર બાદ વૉશિંગ્ટન ઉપરાંત અક્ષર પટેલ અને કુલદીપ યાદવે પણ ત્રાટકીને શ્રીલંકાના સ્કોરને અંકુશમાં રખાવ્યો હતો.
છેક 35મી ઓવર બાદ દુનિથ વેલાલાગે (39 રન, 35 બૉલ, બે સિક્સર, એક ફોર) અને કામિન્ડુ મેન્ડિસ (40 રન, 44 બૉલ, ચાર ફોર) વચ્ચેની સાતમી વિકેટ માટેની 72 રનની પાર્ટનરશિપે શ્રીલંકાને 235-પ્લસનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.
ભારતની પ્લેઇંગ-ઇલેવનમાં કૅપ્ટન રોહિત શર્મા અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, વિકેટકીપર કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહનો સમાવેશ છે.