વર્લ્ડ કપ માટેની અમેરિકાની ટીમમાં આઠ ભારતીય મૂળના ખેલાડી અને એમાં બે ગુજરાતી
ન્યૂ યૉર્ક: અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા તો ઘણી વાર રમાઈ છે, પણ વર્લ્ડ કપનું આયોજન બહુ જ મોટો અવસર કહેવાય અને એ અવસર બહુ નજીક આવી ગયો છે. પહેલી જૂને મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સંયુક્ત યજમાન છે, પરંતુ ઘણી મૅચો અમેરિકામાં રમાવાની છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે નવમી જૂને ન્યૂ યૉર્કમાં હાઈ-પ્રોફાઇલ જંગ ખેલાશે.
એક યજમાન વેસ્ટ ઇન્ડિઝની ટીમ તો એમાં રમવાની જ છે, સહ-યજમાન અમેરિકાની ટીમ પણ મેદાન પર ઊતરશે એ સાથે ક્રિકેટના વર્લ્ડ કપમાં નવું પ્રકરણ શરૂ થશે.
અમેરિકામાં દાયકાઓથી હજારો ને લાખો ભારતીયો સ્થાયી થયા છે અને એમાં ઘણા પરિવારોમાંથી એક કે વધુ વ્યક્તિએ અમેરિકાના રમતગમત ક્ષેત્રે નામના મેળવી છે. અમેરિકાની ક્રિકેટની વાત કરીએ તો એમાં ભારતીય મૂળના ઘણા ખેલાડીઓ સક્રિય છે. ટી-20 વર્લ્ડ કપમાં રમનારી અમેરિકાની ટીમની જ વાત કરીએ તો એમાં 15માંથી આઠ ખેલાડી ભારતીય મૂળના છે અને એમાં પણ બે પ્લેયર ગુજરાતી છે. આ બન્ને ગુજરાતી ખેલાડી પટેલ સમાજના છે.
અમેરિકાની વર્લ્ડ કપ ટીમનો કૅપ્ટન મોનાંક પટેલ 31 વર્ષનો છે. તે વિકેટકીપર-બૅટર છે. આણંદમાં જન્મેલા મોનાંકને કરીઅરની શરૂઆતના સમયગાળામાં ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત અન્ડર-16 અને અન્ડર-19 વતી રમવાનો મોકો મળ્યો હતો. તે વિકેટકીપર-બૅટર છે. તેણે અમેરિકા વતી 47 વન-ડેમાં 1,446 રન અને 23 ટી-20માં 387 રન બનાવ્યા છે તેમ જ સ્ટમ્પ્સની પાછળથી 60 જેટલા શિકાર કર્યા છે.
અમેરિકાની ટીમમાં નિસર્ગ પટેલ પણ છે. તેનો જન્મ 1988માં અમદાવાદમાં થયો હતો.
36 વર્ષનો નિસર્ગ ઑલરાઉન્ડર છે. તે રાઇટ-હૅન્ડ બૅટર અને લેફ્ટ-આર્મ સ્પિનર છે. તેણે અમેરિકા વતી 61 આંતરરાષ્ટ્રીય મૅચમાં 600થી વધુ રન બનાવ્યા છે અને 70 જેટલી વિકેટ લીધી છે.
સ્પિનિંગ ઑલરાઉન્ડર મિલિંદ કુમાર રણજી ટ્રોફીમાં દિલ્હી વતી રમી ચૂક્યો છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેના નામે 2,988 રન અને 33 વિકેટ છે.
ન્યૂ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કૉરી ઍન્ડરસન હવે અમેરિકા વતી રમે છે અને તેને પણ અમેરિકાની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. ન્યૂ ઝીલૅન્ડ વતી તે 13 ટેસ્ટ અને 49 વન-ડે રમ્યો હતો. 33માંથી મોટા ભાગની ટી-20 તે ન્યૂ ઝીલૅન્ડ વતી રમ્યો છે.
અમેરિકાની ટીમમાં સામેલ બીજા ભારતીય મૂળના બીજા છ ખેલાડીઓની વિગત આ મુજબ છે: (1) સૌરભ નેત્રાવલકર: પેસ બોલર, જન્મ મુંબઈમાં, 72 મૅચમાં 97 વિકેટ, (2) જેસી સિંહ: પેસ બોલર, જન્મ ન્યૂ યૉર્કમાં, 31 મૅચમાં 35 વિકેટ, (3) નૉસ્થુશા પ્રદીપ કેન્જિગે: લેફ્ટ-આર્મ સ્પિનર, જન્મ અલાબામામાં, 44 મૅચમાં 42 વિકેટ અને 357 રન, (4) મિલિંદ કુમાર: સ્પિનિંગ ઑલરાઉન્ડર, જન્મ દિલ્હીમાં, ત્રણ ટી-20માં 20 રન, (5) હરમીત સિંહ: સ્પિનિંગ ઑલરાઉન્ડર, જન્મ મુંબઈમાં, ચાર મૅચમાં છ વિકેટ, (6) નીતિશ કુમાર: સ્પિનિંગ ઑલરાઉન્ડર, જન્મ ઑન્ટારિયોમાં, 35 મૅચમાં 700 રન અને નવ વિકેટ.