ડયૂક્સ બૉલના ભારતીય ઉત્પાદક લંડનમાં, બૉલમાં ફેરફાર કરવા તૈયાર
હું પગ વાળીને કે સિગારેટ-સિગાર ફૂંકતો બેઠો નથી: દિલીપ જાજોડિયા

લંડન: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝ અધવચ્ચે પહોંચી છે અને હાલમાં લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ હોવાથી આ મૅચ પણ મધ્ય તબક્કામાં છે અને એવામાં આ સિરીઝમાં વપરાતા ડયૂક્સ બૉલનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બ્રૅન્ડના બૉલ બનાવતી કંપનીના માલિક વિવાદ શાંત પાડવા લંડન આવી પહોંચ્યા છે.
બેંગલૂરુની સ્કૂલમાં ભણેલા અને સારું એવું ભણતર મેળવીને બિઝનેસમૅન બનેલા દિલીપ જાજોડિયા બ્રિટિશ ક્રિકેટ બૉલ્સ લિમિટેડ કંપનીના માલિક છે અને આ કંપની ડયૂકસ બૉલ બનાવે છે.
આ બૉલનો આકાર બહુ જલદી બદલાઈ જાય છે, એ નરમ થઈ જાય છે અને રમવા લાયક હોતો નથી એવી સિરીઝ દરમિયાન તેમ જ ખાસ કરીને વર્તમાન ટેસ્ટ દરમિયાન ખેલાડીઓની વારંવાર ફરિયાદ અમ્પાયર સમક્ષ જોવા મળી છે. શુક્રવારે તો હદ થઈ ગઈ હતી, કારણકે શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ સહિતના ભારતીય ખેલાડીઓએ અમ્પાયર સમક્ષ બૉલની ખામી બાબતમાં વારંવાર ફરિયાદ કરી હોવા છતાં એ બૉલ ગેજ (માપક) મુજબ પરફેક્ટ હોવાનું કહીને અમ્પાયરે બૉલ બદલવાની ના પાડી હતી. જોકે એક તબક્કે નવો બૉલ લીધા બાદ 10 ઓવરમાં જ એનો આકાર બદલાઈ ગયો હતો જેને પગલે વિવાદ વકર્યો હતો.
બેંગલૂરુથી લંડન આવી પહોંચેલા 81 વર્ષની ઉંમરના દિલીપ જાજોડીયા પોતાની કંપનીના ડ્યૂક્સ બૉલ બાબતમાં બીસીસીઆઈ તેમ જ ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરવાની તૈયારી સાથે જ લંડન આવ્યા છે.
ઇંગ્લેન્ડના પાટનગરમાં પહોંચ્યા બાદ જાજોડીયાએ મીડિયામાં વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘ હું ખેલાડીઓને વિનંતી કરું છું કે તમે આ વિષયમાં ધીરજ રાખજો. આ વિવાદાસ્પદ વિષય છે અને એમાં તમે તમારો અભિગમ સમજી વિચારીને અપનાવજો. અમારી કંપની 18મી સદીથી ચાલી રહી છે.’

જાજોડીયાએ એવું પણ કહ્યું હોવાનું મનાય છે કે થોડા સમયથી ઇંગ્લૅન્ડમાં વાતાવરણ બદલાઈ ગયું છે, ગરમી ખૂબ વધી ગઈ છે. બીજું, બૅટ્સમેનો હવે વજનદાર બૅટથી ફટકાબાજી કરતા હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પણ અમે અમારા બૉલના મેકિંગમાં જરૂરી સુધારો કરવા તૈયાર છીએ.’
ડ્યૂક્સ બૉલ બનાવતી કંપનીના માલિકે એવું પણ કહ્યું હતું કે ‘ આઇસીસીના નિયમો, ખેલાડીઓની જરૂરિયાત અને હવામાનને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બૉલ બનાવવા એ કોઈ આસાન કામ નથી. ક્રિકેટ જગતમાં ખાસ કરીને ત્રણ જ પ્રકારના લેધર બૉલ (ડ્યૂક્સ, એસજી અને કૂકાબૂરા)થી ખેલાડીઓ રમતા હોય છે. લેધર બૉલ બનાવવાનું આસાન હોત તો આજે સેંકડો કંપનીઓ અલગ અલગ બ્રૅન્ડના બૉલ બનાવતી હોત. એટલે ખેલાડીઓએ એ યાદ રાખવું જોઈએ કે અમે કંઈ જ નથી કરતા અને બેઠા છીએ એવું નથી. અમે અમારાથી બનતું બધું જ કરી રહ્યા છીએ અને એમ છતાં પણ જો કોઈ સમસ્યા હોય તો અમે બૉલ વિશે સમીક્ષા કરવા તૈયાર છીએ. બૉલના લેધરને લગતી કોઈ સમસ્યા છે કે બીજી કોઈ ખામી છે એ અમે તપાસીશું. હું પગ વાળીને સિગારેટ કે સિગાર ફૂંકતો બેઠો નથી.’
જાજોડિયાને એક અહેવાલમાં એવું પણ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ‘ ખેલાડીઓ મારા બનાવેલા બૉલને વખોડી શકે. તો પછી હું તેમના કોઈ ખરાબ શૉટને કે (બોલરના) ખરાબ બૉલને વખોડી શકું, ખરુંને? હા, ખેલાડીઓને જોઈએ છે એવો બૉલ હું બનાવી શકું, પરંતુ હું એટલું જરૂર કહીશ કે તમે જયારે પણ ટીકા કરો ત્યારે એટલું યાદ રાખજો કે તમે માત્ર મારી કે મારા બૉલની ટીકા નથી કરતા. તમે એ બધાને પણ વખોડો છો જે લોકો મારી પાછળ છે. એટલે કે કર્મચારીઓ જેઓ આ બ્રૅન્ડના હજારો બૉલ બનાવતા હોય છે. તેમની નોકરીનો પણ સવાલ હોય છે. એટલે આપણે બધાએ ખૂબ સમજી વિચારીને અભિગમ અપનાવવો જોઈએ, ઉદારતા બતાવવી જોઈએ.’
આ પણ વાંચો…અમ્પાયર પર ભડકી ગયો શુભમન ગિલ, સિરાજ પણ સમસમી ગયો!