ડ્રેસિંગ રૂમમાં ભારતીય હૉકી ખેલાડીઓ રાષ્ટ્રધ્વજ ઓઢીને ખૂબ નાચ્યા
બ્રૉન્ઝ મેડલનું સેલિબ્રેશન અને ગોલકીપર શ્રીજેશને ફેરવેલના બે અવસર માણ્યા
પૅરિસ: ભારતીય હૉકી ટીમ પૅરિસ ઑલિમ્પિક્સમાં ત્રીજા નંબરે આવીને બ્રૉન્ઝ મેડલ જીતી, પરંતુ લાગલગાટ બીજી ઑલિમ્પિક ગેમ્સમાં (બૅક-ટુ-બૅક) ચંદ્રક જીતવો એ બહુ મોટી સિદ્ધિ કહેવાય અને એનું હરમનપ્રીત સિંહની ટીમે ગુરુવારે રાત્રે જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.
ભારતીય હૉકી ટીમના ખેલાડીઓ અને તેમના ટીમ-સ્ટાફના મેમ્બર્સ ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ આનંદિત મૂડમાં જોવા મળ્યા હતા. તેઓ ખૂબ નાચ્યા હતા અને એકમેકને ભેટીને અભિનંદન આપ્યા હતા. ત્રણથી ચાર ખેલાડીએ રાષ્ટ્રધ્વજ ઓઢીને ડાન્સ કર્યો હતો. ગોલકીપર પીઆર શ્રીજેશ સૌથી વધુ આનંદિત અને રોમાંચિત હતો.
ભારતીય ટીમે બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. સ્પેને 1-0ની સરસાઈ લીધા બાદ ભારતના બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા.
આ પણ વાંચો: ભારતીય હૉકીના ‘ધ વૉલ’ ગોલકીપર શ્રીજેશે યાદગાર જીત સાથે હૉકીના મેદાન પરથી લીધી વિદાય
ભારતીય હૉકી ટીમ લાગલગાટ બે ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીત્યું હોય એવું બાવન વર્ષે ફરી બન્યું છે. આ પહેલાં ભારતે 1968માં અને 1972માં ઑલિમ્પિક બ્રૉન્ઝ જીત્યો હતો.
ભારતીય ટીમ સતત બીજો ઑલિમ્પિક મેડલ જીતી એની ઉજવણી ઉપરાંત ગુરુવારની રાત ગોલકીપર પીઆર શ્રીજેશને ફેરવેલ આપવાનો અવસર પણ હતો એટલે ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ અને જોશ હતો. આ સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે.
ભારતીય હૉકી ટીમે પૅરિસમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની 3-2ની જીતથી શરૂઆત કરી હતી. આર્જેન્ટિના સામેની મૅચ 1-1થી ડ્રૉ રહ્યા બાદ આયરલૅન્ડ સામે ભારતે 2-0થી વિજય મેળવ્યો હતો. એ દિવસોના વર્લ્ડ નંબર-વન બેલ્જિયમ સામે ભારતે 1-2થી હાર જોઈ ત્યાર પછી હરમનપ્રીત સિંહની ટીમે ઑસ્ટ્રેલિયા સામે 3-2થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને પછી ગ્રેટ બ્રિટન સામે 1-1ની ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી વિજય મેળવ્યો હતો. સેમિ ફાઇનલમાં જર્મની સામે ભારતનો જોરદાર લડત આપ્યા બાદ 2-3થી પરાજય થયો, પરંતુ પછી ભારતીયો સ્પેનને 2-1થી પરાજિત કરીને બ્રૉન્ઝ જીતીને જ રહ્યા.