નવી દિલ્હી: ચીનમાં ચાલી રહેલી મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024(Asian Champions Trophy Hockey 2024)માં શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી ચુકી છે. આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ચીન સામે રમશે. ભારતીય ટીમેં સેમીફાઈનલમાં કોરિયાને 4-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બીજી તરફ સેમી ફાઇનલમાં ચીને પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભારત અને ચીન વચ્ચે ટાઈટલ મેચ આજે એટલે કે 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ હુલુનબ્યુર સ્થિત મોકી ટ્રેનિંગ બેઝમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.
ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?
ભારત અને ચીન વચ્ચેની ફાઈનલ મેચ સોની નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ દ્વારા કરવામાં આવશે.
હેડ ટૂ હેડ રેકોર્ડ:
ભારત અને ચીનની હોકી ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. 6માંથી 5માં જીત મેળવી છે, જ્યારે ચીન માત્ર 1 મેચ જીતી શક્યું છે.
નોંધનીય બાબત એ છે કે ભારત અને ચીનની ટીમો સામાન્ય રીતે એકબીજા સામે રમતી નથી. 2023માં બંને વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી. આ સિવાય બંને ટીમો વચ્ચે 2016માં એક મેચ, 2014માં એક મેચ અને 2013માં બે મેચ રમાઈ હતી.
આંકડા જોતા ભારતીય ટીમનો પક્ષ ભારે દેખાય છે, આજની મેચ જીતીને ભારતીય ટીમ એશિયાની ચેમ્પિયન બને તેણી પૂરી શક્યતા છે.