
બીજિંગઃ ભારતીય હોકી ટીમે તેનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું અને સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત હવે ફાઇનલમાં ચીન સામે ટકરાશે, જેણે બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો છે.
પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે અજેય રહી છે. ભારત માટે આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે ઉત્તમ સિંહ અને જરમનપ્રીત સિંહે એક-એક ગોલ કર્યો હતો. દક્ષિણ કોરિયા માટે એકમાત્ર ગોલ જિહુન યાંગે ત્રીજા ક્વાર્ટરમાં કર્યો હતો.
ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ (19મી અને 45મી મિનિટ) કર્યા હતા. જ્યારે ઉત્તમ સિંહ (13મી મિનિટ) અને જરમપ્રીત સિંહ (32મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો. આ બંને ગોલ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર કર્યા હતા જ્યારે ઉત્તમ અને જરમનપ્રીતે ફિલ્ડ ગોલ કર્યા હતા.
બીજી તરફ કોરિયા માટે એકમાત્ર ગોલ યાંગ જિહુને (33મી મિનિટ) પેનલ્ટી કોર્નર પરથી કર્યો હતો. ફાઇનલમાં ભારતનો સામનો યજમાન ચીન સામે થશે. ચીને પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું હતું. ચીનની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ રમાશે.
વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હૉકી ટીમની આ સતત છઠ્ઠી જીત હતી. નોંધનીય છે કે ભારતીય ટીમે પુલ સ્ટેજમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી અને ટૂર્નામેન્ટની વર્તમાન સીઝનમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે.
ભારતીય ટીમે તેની છેલ્લી પુલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા તેણે કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે ભારતીય ટીમે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.
નોંધનીય છે કે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારત સહિત કુલ છ ટીમોએ ભાગ લીધો છે. ભારતે ગયા વર્ષે હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ જીત્યું હતું, જેનાથી તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ 4 ટાઈટલ જીતનારી ટીમ બની ગઈ હતી.
ભારતે આ મામલે પાકિસ્તાનને હરાવ્યું હતું, જેણે ત્રણ વખત ટાઇટલ જીત્યું હતું. ભારત અને પાકિસ્તાન સિવાય માત્ર કોરિયાએ એક વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. કોરિયાએ 2021ની સીઝનમાં ટાઇટલ જીત્યું હતું.