હૉકી ખેલાડીઓને મળશે મહિને 25,000 રૂપિયાનું ભથ્થુંઃ કેન્દ્ર સરકારનો નિર્ણય…

નવી દિલ્હીઃ ક્રિકેટ ભારતમાં સૌથી લોકપ્રિય રમત છે, પરંતુ ભારતે હૉકી જેવી સિદ્ધિ (ઑલિમ્પિકસના આઠ ગોલ્ડ મેડલ સહિત કુલ 13 ચંદ્રક) બીજી કોઈ રમતમાં નથી મેળવી અને એ જ ભારતીય હૉકીમાં પહેલી વાર ખેલાડીઓ માટે એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેલકૂદ મંત્રાલય તરફથી દર મહિને રાષ્ટ્રીય શિબિરમાં સામેલ (પુરુષ અને મહિલા) પ્રત્યેક ખેલાડીને મહિને 25,000 રૂપિયાનું ભથ્થું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હૉકીની ગવર્નિંગ બૉડી તરફથી વારંવાર વિનંતી કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હોવાનું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.
ટાર્ગેટ ઑલિમ્પિક પૉડિયમ સ્કિમ (ટીઓપીએસ-ટૉપ્સ) હેઠળ નક્કી કરવામાં આવેલા ઍથ્લીટોને અલાવન્સ (Allowance) આપવામાં આવે છે અને એ મુજબ પુરુષ વર્ગના 40 અને મહિલા વર્ગના 40 હૉકી ખેલાડીને આ ભથ્થું આપવામાં આવશે.
ગુરુવારે મિશન ઑલિમ્પિક સેલની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જે મુજબ સરકારને આ ખેલાડીઓના ભથ્થા પાછળ કુલ 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે મુખ્ય ઍથ્લીટોવાળું જે ગ્રૂપ હોય એમાંના દરેક ઍથ્લીટને મહિને 50,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે.
સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ પત્રકારોને જણાવ્યું હતું કે ` હૉકી ઇન્ડિયા અમને થોડા સમયથી ખેલાડીઓ માટેના ભથ્થાં વિશે વિનંતી કરી રહ્યું હતું અને અમે તેમની એ માગણી સ્વીકારી લીધી છે. આ ખેલાડીઓએ ઘણું સારું પર્ફોર્મ કર્યું છે અને તેમને મેરિટને આધારે ભથ્થું આપવાનો નિર્ણય લેવાયો છે.’ હૉકી ઇન્ડિયા (hockey india)એ આ ભથ્થાને લગતા ફંડ માટે ખેલકૂદ મંત્રાલયને દર મહિને ખેલાડીઓની યાદી આપવી પડશે.
હૉકી ખેલાડીઓ હાલમાં જે વિભાગ કે સંસ્થામાં નોકરી કરી રહ્યા હોય તેમના તરફથી તેમને પગાર મળે છે. હૉકી ઇન્ડિયાએ પ્લેયર્સ માટે ગ્રેડ આધારિત કૉન્ટ્રૅક્ટ સિસ્ટમની દરખાસ્ત સરકારને કરી છે, પરંતુ એના પર હજી વિચારણા થઈ રહી છે.