સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરો હવે શિસ્તબદ્ધ થશે! BCCI એ ખેલાડીઓ માટે 10 નવા કડક નિયમો જાહેર કર્યા

મુંબઈ: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમમાં ભારતીય ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ પુરુષ ટીમમાં ખેલાડીઓ સામે કડકાઈ બતાવી છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ ખેલાડીઓના અનુશાસનહીનતા અંગેના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતાં, ઉપરાંત ડ્રેસિંગરૂમમાં પણ વાતાવરણ તંગ હોવાની અટકળો વહેતી થઇ હતી. મુંબઈમાં સમીક્ષા બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ BCCI એ હવે 10 નવા નિયમો લાગુ કર્યા છે.

IPL રમવા પર પ્રતિબંધ લાગી શકે:
નવા નિયમો મુજબ બધા ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત બન્યું છે. વિદેશી પ્રવાસ દરમિયાન કોઈપણ ખેલાડી પોતાના અંગત સ્ટાફને સાથે નહીં લઇ શકે. BCCIએ આ નવા નિયમો અંગે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ખેલાડી આ સૂચનાઓનું પાલન નહીં કરે તો તેની સામે શિસ્તભંગના પગલા ભરવામાં આવશે. નિયમ તોડવા બદલ ખેલાડીની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ફીમાં ઘટાડો કરવામાં આવશે તથા IPLમાં રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

બોર્ડે જાહેર કરેલી નીતિમાં જણાવવામાં આવ્યું કે, “નિયમોમાં કોઈપણ અપવાદ કે ફેરફાર માટે સિલેક્ટર કમિટીના અધ્યક્ષ અને હેડ કોચની અગાઉથી મંજૂરી લેવી આવશ્યક છે. જો ખેલાડી આવું નહીં કરે તો BCCI દ્વારા યોગ્ય ગણાય તે મુજબ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.”

આ પણ વાંચો…BCCIમાં વધુ એક નિયુક્તિ; સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ નવા લોકપાલ બન્યા

BCCIએ ભારતીય પુરુષ ટીમ માટે આ 10 નવા નિયમો લાગુ કર્યા:

  1. વિદેશ પ્રવાસ દરમિયાન પત્ની કે પરિવાર સાથે રહેવા પર મર્યાદા:
    ટીમના વિદેશ પ્રવાસ દરમિયાન, ખેલાડીઓના પરિવારો અથવા પત્નીઓને ફક્ત 2 અઠવાડિયા માટે ટીમ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, ખેલાડી વ્યક્તિગત સ્ટાફને સાથે નહીં લઈ શકે. આ નિયમો કોચ અને સપોર્ટ સ્ટાફ સહિત તમામ ખેલાડીઓને લાગુ પડશે. પ્રવાસ દરમિયાન કોઈપણ ખેલાડીને તેના પરિવાર સાથે અલગથી મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ ખેલાડી આમાંથી છૂટછાટ જોઈતી હોય તો, તો તેણે સિલેક્ટર કમિટીના અધ્યક્ષ અને મુખ્ય કોચની મંજૂરી લેવી પડશે.
  2. ડોમેસ્ટિક મેચોમાં રમવું ફરજિયાત છે:
    BCCIની નવી માર્ગદર્શિકા મુજબ, ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં સામેલ થવા અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રહેવા માટે ડોમેસ્ટિક મેચોમાં ભાગ લેવો ફરજિયાત રહેશે. જેનાથી બધા ખેલાડીઓ ફિટનેસ જાળવી શકે. આ ઉપરાંત, નવા ખેલાડીઓને પણ તેમની પાસેથી શીખવાની તક મળશે. આ નિયમમાંથી છૂટ ફક્ત કેટલાક ખાસ કારણોસર જ આપવામાં આવશે, જેના માટે હેડ કોચ અને સિલેક્ટર કમિટીના અધ્યક્ષ પાસેથી મંજૂરી લેવી પડશે.
  3. પ્રેક્ટિસ સેશનમાં ફરજીયાત હાજરી:
    બધા ખેલાડીઓએ નિર્ધારિત પ્રેક્ટિસ સેશન દરમિયાન સમગ્ર સમયગાળા માટે ત્યાં જ રહેવું પડશે. આ નિયમ હેઠળ, હવે કોઈપણ ખેલાડી પ્રેક્ટિસ પૂર્ણ કર્યા પહેલા મેદાન છોડી નહીં શકે.
  4. વધારાનો સામાન લઈ જવા પર રોક:
    દેશમાં કે વિદેશમાં સિરીઝ દરમિયાન વધારાનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેના માટે તેમણે BCCI દ્વારા નિર્ધારિત મર્યાદાનું પાલન કરવું પડશે. જો કોઈ ખેલાડી વધારાનો સામાન લઈ જાય છે, તો ખેલાડીએ પોતે ખર્ચ ઉઠાવવો પડશે.
  5. વ્યક્તિગત સ્ટાફ સાથે રાખવા પર પ્રતિબંધ:
    ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ વિશે એવા અહેવાલો હતા કે તેઓ તેમના અંગત સ્ટાફને તેમની સાથે લઈ જાય છે, હવે BCCI એ આના પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. વ્યક્તિગત મેનેજર, રસોઇયા, સહાયક અને ખાનગી સુરક્ષા કર્મચારીઓને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં
  6. ખેલાડીઓએ હવે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં કોઈપણ સાધનો અને વ્યક્તિગત વસ્તુઓ મોકલતા પહેલા એક અલગ બેગ મોકલવી પડશે અથવા ટીમ મેનેજમેન્ટને જાણ કરવી પડશે. અલગ અલગ વ્યવસ્થાઓને કારણે થનારા કોઈપણ વધારાના ખર્ચની જવાબદારી ખેલાડીની રહેશે.
  7. ખેલાડીઓ સિરીઝ દરમિયાન એડ શૂટ કરી શકશે નહીં:
    ભારતીય ટીમનો કોઈપણ ખેલાડી કોઈપણ સિરીઝ દરમિયાન જાહેરાત શૂટ કરી શકશે નહીં. આ નિયમ પાછળનું કારણ એ છે કે ખેલાડીઓનું ધ્યાન ફક્ત રમત પર જ રહે છે.
  8. પરિવાર સાથે મુસાફરી:
    ખેલાડીઓ માટે પરિવારો સાથે ટ્રાવેલ પ્લાન પોલિસી લાગુ કરવામાં આવી છે, જેથી ખેલાડીના અંગત જીવન અને ટીમ માટેની જવાબદારી વચ્ચે સંતુલન રહે.
  9. BCCI ના કાર્યક્રમોમાં હાજરી:
    હવે બધા ખેલાડીઓ માટે BCCI ના સત્તાવાર શૂટિંગ અને ઇવેન્ટ્સમાં ભાગ લેવો ફરજિયાત રહેશે.
  10. સિરીઝ પૂરી થયા પછી જ ખેલાડીઓને ઘરે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે
    નવા નિયમો હેઠળ, કોઈપણ ખેલાડીને કોઈપણ મેચ કે સિરીઝ સમાપ્ત થયા પછી તરત જ ઘરે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં; તેમણે પ્રવાસ સત્તાવાર પૂરો થયા પછી પાછા ફરવું પડશે, ભલે મેચ નિર્ધારિત સમય પહેલાં સમાપ્ત થઇ ગયો હોય.

આ પણ વાંચો…મનુ ભાકર – ડી ગુકેશ સહિત ચાર રમતવીરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button