સ્પોર્ટસ

તિરુવનંતપુરમના મંદિરે પહોંચી ગયા ભારતીય ક્રિકેટરો

સતત બીજી ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે પ્રાર્થના કરી અને મંદિરનો ભવ્ય ઇતિહાસ પણ જાણ્યો

તિરુવનંતપુરમ (કેરળ): ન્યૂ ઝીલૅન્ડ સામે શનિવારે (સાંજે 7.00 વાગ્યાથી) રમાનારી સિરીઝની અંતિમ ટી-20 અને ત્યાર પછી સાતમી ફેબ્રુઆરીએ ઘરઆંગણે શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ માટે પ્રાર્થના કરવા તેમ જ મંદિરનો ભવ્ય ઇતિહાસ જાણવા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત છ ભારતીય ક્રિકેટરો (Cricketers)એ શુક્રવારે તિરુવનંતપુરમમાં વિશ્વ વિખ્યાત શ્રી પદમનાભસ્વામી ટેમ્પલ (Temple)ની મુલાકાત લીધી હતી.

ભારત ટી-20માં નંબર-વન તેમ જ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને ખેલાડીઓ સતત બીજી વાર ટી-20 વિશ્વ કપની ટ્રોફી જીતવા કમર કસી રહ્યા છે. ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં ભારત 3-1થી આગળ છે. 2024ના અગાઉના ટી-20 વર્લ્ડ કપમાં ભારત રોહિત શર્માના સુકાનમાં ચૅમ્પિયન બન્યું હતું.

આ પણ વાંચો : ઇન્દોરમાં ODI ફાઈનલ પૂર્વે ‘મહાકાલ’ના શરણે પહોંચી ટીમ ઇન્ડિયા: કોહલી અને કુલદીપે ભસ્મ આરતીમાં લીધો ભાગ

ભારતીય ખેલાડીઓ 29મી જાન્યુઆરીએ જ કેરળ (Kerala)ના પાટનગરમાં આવી ગયા હતા અને શુક્રવારે સવારે 9.15 વાગ્યે તેમણે ` સિટી ઑફ અનંત’ તરીકે જાણીતા તિરુવનંતપુરમ શહેરના સૈકાઓ જૂના ભગવાન વિષ્ણુના આ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના નિયમ અનુસાર તેમણે પરંપરાગત પોશાક પહેર્યો હતો અને તેઓ લગભગ 30 મિનિટ સુધી મંદિરમાં હતા.

શ્રી પદમનાભસ્વામી ટેમ્પલમાં આવનારા ખેલાડીઓમાં સુકાની સૂર્યકુમાર ઉપરાંત અક્ષર પટેલ, રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ તથા રવિ બિશ્નોઈનો સમાવેશ હતો. ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપ પણ ખેલાડીઓની સાથે હતા. એક તબક્કે મંદિરના એક પુજારી અક્ષર પટેલનો હાથ પકડીને તેને મંદિરના મહત્ત્વના ગૃહ તરફ લઈ ગયા હતા અને ત્યાંનો ભવ્ય ઇતિહાસ જણાવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button