જોઈ લો, ભારતીય ક્રિકેટરોની બ્રૉન્કો ટેસ્ટની ઝલક…

દુબઈઃ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં એશિયા કપ રમવા યુએઇ આવેલી ભારતીય ટીમે રવિવારે પાકિસ્તાન સામે રમાનારી રસાકસીભરી મૅચ પહેલાં જે બ્રૉન્કો ટેસ્ટ (Bronco TEST) આપી એની કેટલીક ઝલક બીસીસીઆઇએ એક વીડિયો મારફત સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.
ઍડ્રિયન લ રુક્સ (Adrian La Roux) ભારતીય ટીમના સ્ટ્રેન્ગ્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ છે. ટીમ ઇન્ડિયા સાથે તેમની આ બીજી મુદત છે. થોડા વર્ષો પહેલાં પણ તેઓ ભારતીય ક્રિકેટરો સાથે આ જવાબદારી સાથે જોડાયા હતા. તેમનું કહેવું છે કે ` છેલ્લાં બે દાયકાથી ખેલાડીઓ અસંખ્ય મૅચો રમવા લાગ્યા છે એટલે મેં તેમની કુશળતા તથા ચપળતા અને શક્તિ માપવા માટે બ્રૉન્કો ટેસ્ટ અપનાવી છે. આ પ્રકારની ટેસ્ટ અન્ય રમતોમાં વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. ક્રિકેટમાં જો ખેલાડીની શારીરિક ક્ષમતા સારી હોય તો તેની કરીઅર લંબાઈ શકે છે. અમે જે પદ્ધતિ અપનાવી છે એમાં ખેલાડીનો સ્ટેમિના વધાવાની સાથે રમતી વખતે તેને ઈજા થવાની સંભાવના પણ ઘટી જાય છે.’
ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ઘણો ફાયદો થયોઃ ઍડ્રિયન
કન્ડિશનિંગ કોચ ઍડ્રિયને કહ્યું હતું કે ` મેન ઇન બ્લુ સાથે મારી આ બીજી મુદત છે અને એમાં તેમની સાથે મારો પ્રથમ પ્રવાસ તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં હતો જ્યાં શુભમન ગિલના સુકાનમાં ભારતની ન્યૂ લૂક ટીમે ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતું, ઇંગ્લૅન્ડના ખેલાડીઓને તેમણે જોરદાર લડત આપી હતી અને સિરીઝ 2-2થી બરાબરીમાં લાવી દીધી હતી.’
આ પણ વાંચો: પાકિસ્તાન સામેની મૅચના બહિષ્કારમાં આઇપીએલનું ફ્રૅન્ચાઇઝી પણ જોડાયું!
બ્રૉન્કોનો અર્થ અને બ્રૉન્કો ટેસ્ટ વિશે જાણવા જેવું…
ઉત્તર અમેરિકામાં એક પ્રકારનો જંગલી ઘોડો બ્રૉન્કો તરીકે ઓળખાય છે અને એના નામ પરથી ખાસ કરીને રગ્બીની રમતમાં ખેલાડીઓની ફિટનેસ નક્કી કરવા માટેની પરીક્ષા ` બ્રૉન્કો ટેસ્ટ’ તરીકે ઓળખાય છે. ભારતીય ખેલાડીઓની ફિટનેસ માપવા માટે અગાઉ યો-યો ટેસ્ટ રાખવામાં આવતી હતી. જોકે તાજેતરમાં જ ઍરોબિક ફિટનેસ માટે બ્રૉન્કો ટેસ્ટ દાખલ કરવામાં આવી છે જેમાં પ્લેયરની ચપળતા તથા સ્ફૂર્તિ વધુ સારી રીતે માપી શકાય છે તેમ જ તે કેટલો જલદી થાકી જાય છે એ પણ નક્કી થઈ જાય છે. એમાં ખેલાડીને 20 મીટર, 40 મીટર અને 60 મીટર દોડવાનું કહેવામાં આવે છે. પ્લેયરે આ ત્રણેય અંતરની દોડ અટક્યા વિના (આરામ કર્યા વગર) પૂરી કરવાની હોય છે. પ્રત્યેક પ્લેયરે એક સેટમાં 240 મીટર એમ પાંચ સેટ મળીને કુલ 1,200 મીટર (બ્રેક વગર) દોડવાનું હોય છે. દરેક ખેલાડીએ આ દોડના કુલ પાંચ સેટ છ મિનિટની અંદર પૂરા કરવા પડે છે.
આ પણ વાંચો: IND vs PAK મેચમાં અડધું સ્ટેડીયમ ખાલી રહેશે! આ કારણે નથી વેચાઈ રહી ટિકિટો
કોચ પ્રત્યેક ખેલાડીનો સ્ટેમિના અને ઝડપ માપે છે તેમ જ ખેલાડીની કાર્ડિયોવેસ્ક્યૂલર સંબંધિત સહનશક્તિ પણ માપવામાં આવે છે.
એકંદરે, બ્રૉન્કો ટેસ્ટમાં ખેલાડી ફિટનેસ છુપાવવાની બાબતમાં કોઈ પ્રકારની ચાલાકી કે છેતરપિંડી કરે તો અન્ય પદ્ધતિની સરખામણીમાં એ જલદી ધ્યાનમાં આવી જાય છે.