
બર્મિંગમ/કરાચીઃ ભારતના પીઢ ક્રિકેટરોએ રવિવારે અહીં પાકિસ્તાનના વીતેલા વર્ષોના પ્લેયર્સ સામેની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની લીગ મૅચમાં રમવાની ના પાડીને પાકિસ્તાનનું નાક કાપી નાખ્યું એનાથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓનો આક્રોશ બહાર આવેલો દેખાયો છે અને અમુક પાકિસ્તાની પ્લેયર રિતસરના રિસાઈ ગયા છે. સ્પૉટ-ફિક્સિંગને કારણે પોતાની જ કારકિર્દી વેરવિખેર કરી દેના ભૂતપૂર્વ કૅપ્ટન સલમાન બટે (Salman Butt)પોતાની યુટ્યૂબ ચૅનલ પર પૂછ્યું છે કે ` શું ભારત હવે ઑલિમ્પિક્સ (Olympics)માં કે વર્લ્ડ કપ (World Cup) જેવી આઇસીસી ઇવેન્ટમાં પણ પાકિસ્તાન સામે નહીં રમે?’
યુવરાજ સિંહ ડબ્લ્યૂસીએલમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમનો કૅપ્ટન છે. શિખર ધવન, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ તથા હરભજન સિંહ સહિત તમામ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન વિરુદ્ધ રમવાની ના પાડી હતી જેને પગલે ડબ્લ્યૂસીએલના આયોજકોએ છેવટે આ મૅચને સોશિયલ મીડિયા પરની જાહેરાત મુજબ સત્તાવાર રીતે રદ જાહેર કરવી પડી તેમ જ આ મૅચનું આયોજન વિચારીને ભારતીય ખેલાડીઓ તેમ જ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલને ઠેસ પહોંચી હોય તો એ માટે માફી પણ માગી હતી.

સલમાન બટે પોતાની ચૅનલ પર કહ્યું છે કે ` ભારત જો ડબ્લ્યૂસીએલમાં પાકિસ્તાન સામે જરા પણ ન રમવા માગતું હોય તો એણે નક્કી કરવું પડશે કે એ (ભારત) ઑલિમ્પિક ગેમ્સ તથા આઇસીસીની વિશ્વ કપ જેવી ઇવેન્ટમાં પણ પાકિસ્તાન સામે નહીં રમે. આજે આખી દુનિયામાં આ વિષયમાં જ ચર્ચા થઈ રહી છે. ભારત સાબિત શું કરવા માગે આવું પગલું ભરીને?’
સલમાન બટે ગુસ્સામાં એવું પણ કહ્યું છે કે ` અમે ઇચ્છીએ છીએ કે ભારતે હવે પછી વર્લ્ડ કપમાં કે ઑલિમ્પિક્સમાં પણ અમારી સામે ન રમવું જોઈએ. દરેક બાબતનું મહત્ત્વ હોય છે એ અમે સમજીએ છીએ, પણ તમે જ્યારે કોઈ એક વાતને બીજી વાત સાથે જોડો છો તો વચન આપો કે કોઈ પણ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે નહીં રમો. ઑલિમ્પિક્સ કે વર્લ્ડ કપમાં પણ નહીં.’
હકીકત એ છે કે ડબ્લ્યૂસીએલ પ્રાઇવેટ ટૂર્નામેન્ટ છે અને ભારત એમાં કોની સામે ન રમવું એનો નિર્ણય લઈ શકે છે. ઑલિમ્પિક્સની ક્રિકેટ સ્પર્ધા ઑલિમ્પિક ગેમ્સને લગતા કડક નિયમો હેઠળ રમાય અને આઇસીસીની ઇવેન્ટ માટેના નિયમોનું પણ દરેક સભ્ય દેશે પાલન કરવું પડે એટલે એમાં ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો કરવાનો આવે તો એમાં રમવું પડે. 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતે જ પાકિસ્તાનની ટીમને ભારતમાં આવવા દીધી હતી અને એ મૅચમાં ભારતે પાકિસ્તાનને અમદાવાદમાં જોરદાર પછડાટ આપી હતી.
આ પણ વાંચો…પીઢ ક્રિકેટરોએ બૉલ-આઉટ પદ્ધતિને સજીવન કરીઃ જાણો, કોણે કોને હરાવ્યું…