મુંબઈથી દુબઈઃ ભારતના મોટા ભાગના ક્રિકેટરો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થઈ ગયા

મુંબઈઃ 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવા ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ આજે બપોરે મુંબઈથી દુબઈ જવા રવાના થયા હતા. ભારતની પ્રથમ મૅચ દુબઈમાં 20મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમાશે.
મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર દુબઈ માટેની ફ્લાઇટ માટે એકત્રિત થયેલા ખેલાડીઓમાં કૅપ્ટન રોહિત શર્મા અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ તેમ જ વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી તેમ જ ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ હતો. હેડ-કોચ ગૌતમ ગંભીર, ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપ, બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલ તથા સહાયક -કોચ રાયન ટેન ડૉશ્ચેટ પણ ભારતીય ટીમની ફોજ સાથે હતા.
આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં જ પાકિસ્તાનની ફજેતી, ક્રિકેટ ક્રેઝીઓ સ્ટેડિયમની દીવાલ પર ચડી ગયા!
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષની મધ્યમાં રોહિતના સુકાનમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગઈ હતી અને બહુમૂલ્ય ટ્રોફી સાથે પાછી આવી હતી. મુંબઈ વિમાનીમથકે આજે અસંખ્ય ચાહકો ભારતીય ટીમને શુભકામના આપવા ઍરપોર્ટના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા હતા. રોહિત શર્મા આવતાં જ કેટલાક ક્રિકેટચાહકો રોહિત ભાઈ...' અને
રોહિત સર…’ એવી બૂમો પાડવા લાગ્યા હતા.
ભારત એક વાર (2013માં) એમએસ ધોનીના સુકાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું છે. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિનાની ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવા જઈ રહી છે. બુમરાહ હજી પૂરો ફિટ ન હોવાથી તેને આ સ્પર્ધા માટેની ટીમમાં નથી સમાવવામાં આવ્યો.
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી બે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એકેય મૅચ જીત્યા વગર પાછી ગઈ હતી!
રોહિત તેમ જ વિરાટ જેવા પીઢ ખેલાડીઓને ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાની આ કદાચ છેલ્લી તક છે. બીજી બાજુ, ટીમના યુવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન મજબૂત કરવાનો પણ આ બહુ સારો મોકો છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીનું મુખ્ય યજમાન પાકિસ્તાન છે જ્યાં 19મી ફેબ્રુઆરીએ સૌથી પહેલી મૅચ પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. પાકિસ્તાનમાં કરાચી, લાહોર અને રાવલપિંડીમાં મૅચો રમાવાની છે. ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે. ભારતીય ટીમ જો સેમિ ફાઇનલમાં પહોંચશે તો એની એ સેમિ દુબઈમાં જ રમાશે. ફાઇનલનું સ્થળ હજી નક્કી નથી થયું, પણ જો ભારત ફાઇનલમાં જશે તો એ નિર્ણાયક મુકાબલો પણ દુબઈમાં જ રમાશે.