ભારતીય ક્રિકેટરો એશિયા કપ માટે ભેગા થઈને દુબઈ નહીં જાય, આ તારીખે રવાના થશે

નવી દિલ્હીઃ સૂર્યકુમાર યાદવના નેતૃત્ત્વમાં યુએઇ (UAE)ના ટી-20 એશિયા કપમાં રમનારા ભારતીય ખેલાડીઓ પોતપોતાની રીતે આગામી ગુરુવાર, ચોથી સપ્ટેમ્બરે ભારતથી રવાના થશે અને એ જ દિવસે દુબઈ (DUBAI)માં ભેગા થશે. આ ખેલાડીઓ બીજા દિવસે (શુક્રવાર, પાંચમી સપ્ટેમ્બરે) દુબઈમાં નેટ પ્રૅક્ટિસ શરૂ કરશે.
એશિયા કપ (Asia Cup) નવમી સપ્ટેમ્બરે શરૂ થશે જેમાં ભારતની પ્રથમ મૅચ 10મી સપ્ટેમ્બરે (સાંજે 7.30 વાગ્યાથી) દુબઈમાં યુએઇ સામે રમાશે. ભારત એશિયા કપનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. નવમી સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટની પ્રથમ મૅચ અફઘાનિસ્તાન-હૉન્ગકૉન્ગ વચ્ચે રમાવાની છે.
આ પણ વાંચો: એશિયા કપ 2025ના પ્રોમો મુદ્દે વિવાદ સર્જાયો, સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયાઓ
અગાઉ એવું બનતું જેમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ મુંબઈ કે દિલ્હી અથવા અન્ય કોઈ ઍરપોર્ટ પર ભેગા થતા હતા અને ત્યાંથી નિર્ધારિત દેશ માટેના વિમાનમાં બેસતા હતા, પરંતુ આ વખતે સૂર્યાની ટીમના ખેલાડીઓ પોતપોતાના શહેરના ઍરપોર્ટ પરની ફ્લાઇટમાં બેસીને દુબઈ પહોંચશે. અમુક જ ખેલાડીઓ મુંબઈથી દુબઈ જશે. તમામ પ્લેયર્સ ચોથી સપ્ટેમ્બરે સાંજ સુધીમાં દુબઈ પહોંચી જશે. મોટા ભાગના ભારતીય ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં રમી રહ્યા છે.
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, રિન્કુ સિંહ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.
સ્ટૅન્ડ-બાય ખેલાડીઓઃ પ્રસિદ્ધ ક્રિષ્ના, વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જયસ્વાલ.