શંકાસ્પદ પૅકેટ મળી આવતાં ભારતીય ક્રિકેટરોને હોટેલમાં જ રહેવાની સલાહ!

બર્મિંગમઃ એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડ સામે સિરીઝની બીજી ટેસ્ટ રમી રહેલા ભારતીય ક્રિકેટરોના માટે બર્મિગમના હાર્દ ભાગમાં આવેલી હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમની હોટેલની નજીકના સેન્ટેનરી સ્ક્વેર (Centenary square) વિસ્તારમાં મંગળવારે શંકાસ્પદ પૅકેટ (Suspicious packet) મળી આવતાં ભારતીય ખેલાડીઓને મૅચ બાદ હોટેલ (Hotel) પર પહોંચ્યા પછી ક્યાંય બહાર ન જવાની સલાહ અપાઈ હતી.
બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને આ માહિતીને સમર્થન આપતા જણાવ્યું હતું કે બર્મિંગમ (Birmingham) સિટી સેન્ટરની પોલીસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી જેને આધારે ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે હોટેલની બહાર ક્યાંય જશો નહીં.
આ પણ વાંચો: ` આવું ન કરો, બુમરાહની જિંદગી અને તેના પરિવાર વિશે પણ વિચારો’: અલીઝા હિલીએ કેમ આવું કહ્યું?
સામાન્ય રીતે ભારતીય ખેલાડીઓ ફુરસદના સમયે (મૅચ પછી મોડી સાંજે) હોટેલની આસપાસના વિસ્તારોમાં જતા હોય છે. તેઓ બીજી ટેસ્ટની બુધવારે શરૂઆત થઈ એ પહેલાંના દિવસે હોટેલ નજીકના બ્રૉડ સ્ટ્રીટ વિસ્તારમાં ગયા હતા. મૅચ પહેલાંના પ્રૅક્ટિસના દિવસોમાં એક દિવસ કૅપ્ટન શુભમન ગિલ સહિત ખાસ કરીને આઠ ખેલાડીઓએ ખૂબ પ્રૅક્ટિસ કરી હતી અને બાકીના ખેલાડીઓએ ઑફ-ડે માણ્યો હતો.
ખેલાડીઓની હોટેલ નજીકના કેટલાક બિલ્ડિંગો મંગળવારે તપાસના હેતુથી ખાલી કરાવવામાં આવ્યા હતા.