ભારતીય ક્રિકેટર્સે 16 કલાકની લાંબી મુસાફરીમાં શું કર્યું?

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી બાર્બેડોઝમાં જ ચાર દિવસ સુધી ‘બેરીલ’ વંટોળને કારણે ફસાઈ ગયેલી ભારતીય ટીમે ગુરુવારે સવારે 16 કલાકનો બાર્બેડોઝથી દિલ્હી સુધીનો 16 કલાકનો લાંબો પ્રવાસ પૂરો કર્યો હતો. તેઓ વર્લ્ડ ચૅમ્પિયન બનીને આવ્યા હોવાથી તેમ જ ઘણા ખેલાડીઓના પરિવારજનો પણ તેમની સાથે જ હોવાથી ખેલાડીઓ માટે આ પ્રવાસ કંટાળાજનક નહોતો, પરંતુ મુસાફરી કલાકોની હોવાથી તેમણે દિલ્હી પાછા આવ્યા બાદ નિરાંતનો શ્ર્વાસ તો લીધો જ હતો. ખેલાડીઓએ આ લાંબા પ્રવાસ દરમ્યાન શું કર્યું એની વિગત રસપ્રદ છે.
ઑલ ઇન્ડિયા ચૅમ્પિયન્સ 24 વર્લ્ડ કપ (એઆઇસી24ડબ્લ્યૂસી) નામની સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટમાં પાછી આવેલી ટીમ ઇન્ડિયા સાથે લગભગ 20 પત્રકારો પણ હતા. 16 કલાકની આ નૉન-સ્ટૉપ જર્ની બાદ ગુરુવારે સવારે 6.00 વાગ્યે તેઓ દિલ્હી ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.
બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ ખેલાડીઓની સાથે જ હતા. ક્રિકેટ બોર્ડે શૅર કરેલા ફ્લાઇટની અંદરના મૂડના વીડિયોમાં જોવા મળ્યા મુજબ રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલે વિશ્ર્વ વિજેતા ટીમના મેમ્બર હોવા બદલ પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. રોહિત શર્મા ખૂબ ઉત્સાહિત તેમ જ મજાકિયા મૂડમાં હતો તો અન્ય ખેલાડીઓ પણ અત્યંત રોમાંચિત હતા.
ફ્લાઇટની અંદર ખેલાડીઓ દરેકને એક પરિવાર તરીકે માનતા હોવાથી બીસીસીઆઇએ પત્રકારો-ફોટોગ્રાફરોને ફ્લાઇટ અંદરની બધી બાબતો ખાનગી અને અંગત બાબતોને લગતા ફોટો ક્લિક ન કરવાની કે વીડિયો ન ઉતારવાની વિનંતી કરી હતી..
આ પણ વાંચો : Team India આવા તોફાનમાં ફસાઈ હતી, રોહિત શર્માની પત્નીએ શેર કરી ભયાનક તસવીરો
ઍર ઇન્ડિયાના પાયલટે વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનો વર્ષોનો ઇન્તેજાર દૂર કરવા બદલ ટીમ ઇન્ડિયાનો આભાર માન્યો હતો. મુસાફરી લગભગ અડધી થઈ હતી ત્યારે ભારતીય ક્રિકેટ અને ટીમ ઇન્ડિયા પ્રત્યેના યોગદાન બદલ રાહુલ દ્રવિડનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમનો શનિવારનો ફાઇનલનો દિવસ હેડ-કોચ તરીકે દ્રવિડનો આખરી દિન હતો.
એક જાણીતી વેબસાઇટના પત્રકારના અહેવાલમાં જણાવાયું હતું કે ભારતીય ખેલાડીઓ, તેમના પરિવારજનો અને સપોર્ટ સ્ટાફને બિઝનેસ ક્લાસમાં રાખવામાં આવ્યા હતા. જોકે કૅપ્ટન રોહિત શર્મા, વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યા, ફાઇનલ-વિનિંગ કૅચ પકડનાર સૂર્યકુમાર યાદવ, લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેમ જ રાહુલ દ્રવિડ સહિત એમાંના ઘણા મેમ્બર્સ ગપ્પા મારવા માટે ઇકોનોમી ક્લાસમાં આવી ગયા હતા.
મૅન ઑફ ધ ટૂર્નામેન્ટ જસપ્રીત બુમરાહ લાંબી સફર દરમ્યાન પુત્ર અંગદને કોઈ તકલીફ ન થાય એ માટે સતત તેની કાળજી રાખતો જોવા મળ્યો હતો.
બીસીસીઆઇએ વિમાનમાં સાથે પ્રવાસ કરી રહેલા મીડિયામેનને ખાસ એકસાથે બોલાવીને તેમને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટો પડાવવાનો સોનેરી અવસર આપ્યો હતો. ગુરુવારે સવારે ટીમની ફ્લાઇટ દિલ્હી પહોંચી ત્યારે ઍરપોર્ટ પર હજારો ચાહકોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.