![](/wp-content/uploads/2024/07/suryakumar-yadav-equals-virat-kohlis-record-with-blistering-knock.webp)
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝ માટે શુભમન ગીલને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવતા વિવાદ ઉભો થયો હતો, ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ચાહકો નારાજ થયા હતાં, કેમ કે શુભમન ગીલ કરતા હાર્દિક પંડ્યા ઘણો વધારે અનુભવ ધરાવે છે અને હાર્દિક અગાઉ રોહિત શર્માની ગેહાજરીમાં ટીમની આગેવાની કરી ચુક્યો છે. એવામાં અહેવાલો છે કે હાર્દિક પંડ્યાને ટૂંક સમયમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં (Hardik Pandya to become India cricket team Captain) આવી શકે છે.
હાર્દિક સાથે અન્યાય!
નોંધનીય છે કે લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે કે હાર્દિકને રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ એવું થયું ન હતું. ગયા વર્ષે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા પછી, BCCI એ સૂર્યકુમાર યાદવને T20I માટે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો અને હાર્દિકને અવગણવામાં આવ્યો. ત્યાર બાદ યુવા બેટ્સમેન શુભમન ગિલને ODI માટે વાઈસ કેપ્ટન બનવવામાં આવ્યો. એટલું જ નહીં તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી T20I સિરીઝ માટે અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન બનવવામાં આવ્યો હતો. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક વાઈસ કેપ્ટન હતો, પરંતુ ફિટનેસની ચિંતાઓને કારણે તેને ડિમોટ કરવામાં આવ્યો હતો.
હાર્દિકને હેડ કોચ ગંભીરનું સમર્થન:
એવામાં એક અખબારી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારતીય ટીમ આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત નહીં મેળવી શકે, તો ત્યાર બાદની ODI મેચ માટે હાર્દિકને ટીમનો કેપ્ટન બનવવામાં આવી શકે છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો કે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ઇચ્છતા હતા કે હાર્દિક પંડ્યા વાઈસ-કેપ્ટન બને, પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે શુભમન ગિલનને જવાબદારી સોંપી હતી. ગંભીરનું માનવું છે કે હાર્દિકને ભૂતકાળમાં ઘણો અન્યાય થયો છે. ફિટનેસ સમસ્યાઓના કારણે તેણે કેપ્ટનશીપ ગુમાવી હતી, પરંતુ તેનું ફોર્મ શાનદાર રહ્યું છે.
Also read: આ ભારતીય ક્રિકેટરના ઘરે ગુંજશે કિલકારી
સૂર્યાની હકાલપટ્ટી થશે!
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું કે T20I માટે હાર્દિક ફરીથી કેપ્ટન બની શકે છે, વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. સૂર્યકુમારે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20I સિરીઝમાં માત્ર 28 રન બનાવ્યા હતા. હવે અગામી મેચમાં ટીમમાં તેને સ્થાન મળે એ નક્કી નથી. ભારત ઇંગ્લેન્ડ સામે બીજી ODI મેચ 9 ફેબ્રુઆરી અને ત્રીજી ODI મેચ 12 ફેબ્રુઆરીના રોજ રમશે. ત્યાર બાદ ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન હાર્દિકના પ્રદર્શન પર સૌની નજર રહેશે.