ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા વર્લ્ડ કપનું યજમાન બનવાની ના પાડી…જાણો શા માટે
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ પૂરી થઈ ગયા પછી હવે ફરી ભારત માટે ક્રિકેટની મોસમ શરૂ થઈ જશે અને એમાં મેન્સ ક્રિકેટની એક પછી એક સિલસિલાબંધ સિરીઝ રમાશે, પરંતુ મહિલા ક્રિકેટરોની એક મેગા ટૂર્નામેન્ટનું યજમાનપદ ખોરંભે ચડી ગયું છે. બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઈ હોવાથી આગામી ઑકટોબરમાં ત્યાં અગાઉ નક્કી થયા મુજબ ત્યાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ રાખી શકાય એમ નથી એટલે આઇસીસી ભારત સહિત અન્ય કેટલાક દેશોને યજમાન બનાવવાની તલાશમાં હતું, પરંતુ એક અહેવાલ મુજબ બીસીસીઆઇએ આ યજમાનપદની ઑફર સ્વીકારી નથી.
ક્રિકેટની એક જાણીતી વેબસાઇટના અહેવાલ અનુસાર ભારતમાં ચોમાસું ચાલી રહ્યું છે અને આવતા વર્ષે મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો જ છે એટલે બીસીસીઆઇએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભારતમાં ઑક્ટોબરનો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ યોજવો સંભવ નથી.
આ પણ વાંચો : શ્રીલંકા સામે સિરીઝમાં હાર છતાં ICC રેન્કિંગમાં રોહિત શર્માને ફાયદો, આ બેટ્સમેન નં.1 પર
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે એક મુલાકાતમાં એવું પણ કહ્યું હોવાનું મનાય છે કે ભારતમાં મહિલાઓના ઉપરાઉપરી બે વર્લ્ડ કપ યોજી શકાય છે એવો કોઈ સંકેત તેઓ નથી આપવા માગતા.
હવે આઇસીસી પાસે બે વિકલ્પ છે. શ્રીલંકા અને યુએઇ.
બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ઑક્ટોબરના વિમેન્સ વર્લ્ડ કપ યોજવા છેલ્લી ઘડીના પ્રયત્નો કરી રહી છે, પરંતુ દેશમાં લોહિયાળ ક્રાંતિ જેવી જે સ્થિતિ છે એ જોતાં આઇસીસી કોઈ પણ જોખમ ઉઠાવવા નથી માગતી.
કેટલાક અહેવાલો મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ખુદ ચીફ અને ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર નજમુલ હાસન દેશ છોડીને ભાગી ગયા છે. તેમની સાથે બોર્ડના કેટલાક ડિરેકટરો પણ નાસી ગયા હોવાથી હાલમાં બાંગ્લાદેશમાં ક્રિકેટના સંચાલન જેવું ભાગ્યે જ કંઈ છે.
બાંગ્લાદેશની ટેસ્ટ ટીમ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે જ્યાં તેઓ બે ટેસ્ટ રમશે અને પછી બાંગ્લાદેશની ટીમ આવતા મહિને ભારતમાં બે ટેસ્ટ તથા ત્રણ ટી-20 રમશે.