Happy Birthday: માત્ર મેટ પર નહીં જીવનના દરેક કદમ પર કુશ્તી કરતી આવી છે આ સેલિબ્રિટી
પેરિસ ઑલિમ્પિકમાં સૌથી મોટો ઝટકો ભારતીયોને એ માટે નહોતો લાગ્યો કે તેમના અમુક ખેલાડીઓ ગોલ્ડ મેડલ ન જીતી આવ્યા, પણ એ માટે લાગ્યો હતો કે તેમની એક લડાકુ ખેલાડી સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ હતી. વિનેશ ફોગાટને જ્યારે 100 ગ્રામ વજન વધુ હોવાથી રેસલિંગની ફાઈનલમાંથી આઉટ કરવામાં આવી ત્યારે ખેલજગતમાં વધારે રસ ન ધરાવતા ભારતીયો પણ નિરાશ થયા હતા. વિનેશ જીવનમાં ઘણો સંઘર્ષ કરી અહીં આવી અને માત્ર મેદાન પર જ નહીં પોતાની સાથી સ્પોર્ટ્સ વુમેન માટે સડકો પર પણ ઉતરી હતી. આવી જાંબાઝ ખેલાડીનું સ્પર્ધામાંથી આ રીતે બહાર ફેંકાઈ જવું ભારતીયો માટે જાણે કોઈ પર્સનલ લૉસ થવા જેવું હતું. જોકે વિનેશ અને ભારતીયોએ આ હકીકત સ્વીકારી લીધી, ત્યારે આજે તેને ફરી યાદ કરવાનું એક ખૂબ જ સરસ કારણ છે અને તે છે આ ખેલાડીનો જન્મદિવસ. વિનેશ આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહી છે.
25 ઑગસ્ટ, 1994માં જન્મેલી વિનેશ ફોગાટનું જીવન પિતરાઈ બહેનો કરતા અલગ રહ્યું. 21 વર્ષની ઉંમરે વિનેશના પિતાનું પારિવારિક લડાઈમાં ખુન થઈ ગયું. કરવા ચોથના દિવસે લોહીથી લથબથ પિતા રાજપાલનો મૃતદેહ નવ વર્ષની વિનેશે પણ જોયો હતો અને આ દિવસે જ માતાને વિધવા થતી જોઈ. જોકે માતા પ્રેમલતાએ ખૂબ જ હિંમત દાખવી અને દીકરીને હિંમત આપી. આ સાથે કુશ્તીબાજ કાકા મહાવીર ફોગાટનો પણ તેને સાથ મળ્યો.
જોકે ક્યાંક નસીબે તેનો સાથ ઓછો દીધો. ત્રણ વાર કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતનારી વિનેશ ત્રણેયવાર ઑલિમ્પિકમાં ગોલ્ડથી દૂર રહી. તાજેતરમાં યોજાયેલી ઑલિમ્પિકસમાં વિનેશ ત્રણ પહેલવાનોને પટકી ફાઈનલમાં પહોંચી. અહીં સુધી પહોંચનારી તે પહેલી ભારતીય મહિલા ખેલાડી હતી, પણ નિયમોને લીધે તક ગુમાવી. મા, મૈં હાર ગઈ, કુશ્તી જીત ગઈ…વિનેશે તે સમયે લખેલા આ શબ્દો તેની નિરાશાને વ્યક્ત કરવા કાફી હતા. જોકે આખો દેશ તેની સાથે રડ્યો પણ અને તેને હિંમત પણ આપી. વિનેશના ગામ બાવલીમાં તો તેનું ભવ્ય સ્વાગત થયું. વિનેશે રિટાયરમેન્ટ જાહેર કર્યું પણ સૌ કોઈ ઈચ્છે છે કે તે 2028ની ઑલિમ્પિક્સમાં ફરી લડત આપે.
વિનેશ હવે રાજકારણમાં ઝપલાવે તેવી શક્યતાઓ પણ છે. વિનેશે કેન્દ્ર સરકાર સામે પણ કુશ્તી લડી છે. બ્રિજ ભૂષણ સિંહ દ્વારા યૌન શોષણના આરોપો સમયે વિનેશ દિલ્હીની સડકો પર ભૂખી-તરસી બેઠી હતી અને પોલીસની લાઠી પણ સહન કરી હતી. આથી હવે તે રાજકીય કારકિર્દી શરૂ કરે તેવી શક્યતાઓ પણ છે. આપણ આશા રાખીએ તે ગમે તે ક્ષેત્રમાં આગળ વધે, દેશ અને સમાજનું નામ રોશન કરે.
વિનેશને જન્મદિવસની શુભકામના