ભારતીય મૂળની બોધના શિવાનંદને ચેસમાં ત્રણ નવા ઇતિહાસ રચ્યા…

લંડનઃ શતરંજમાં ભારતનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે અને એક પછી એક ખેલાડીઓ ચેસમાં વિશ્વ સ્તરે સુપર સ્ટાર બની રહ્યાં છે એવામાં ભારતીય મૂળની 10 વર્ષની છોકરી બોધના શિવાનંદને (Bodhana Sivanandan) પણ નવો ઇતિહાસ રચ્યો છે. તેણે એક નહીં, પણ બે રીતે વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ઇંગ્લૅન્ડમાં પણ નવો રેકૉર્ડ રચ્યો છે.
10 વર્ષીય બોધના ઇંગ્લૅન્ડ (England)માં રહે છે અને તે મહિલાઓમાં ચેસનું ઇન્ટરનૅશનલ માસ્ટર (IM) ટાઇટલ મેળવનારી વિશ્વની સૌથી યુવાન ખેલાડી બની છે. એટલું જ નહીં, તે ગ્રેન્ડમાસ્ટર (GM) ખેલાડીને હરાવનાર વિશ્વની સૌથી યુવાન મહિલા ખેલાડી પણ બની છે. બોધના કોઈ પણ રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી યુવાન ખેલાડી પણ બની છે. તેણે ગયા વર્ષે માત્ર નવ વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડનું પહેલી વાર પ્રતિનિધિત્વ કર્યું હતું.
60 વર્ષના ગ્રેન્ડમાસ્ટરને હરાવ્યા
બોધનાએ આ અઠવાડિયે લિવરપૂલમાં બ્રિટિશ ચેસ ચૅમ્પિયનશિપ્સના અંતિમ રાઉન્ડમાં 60 વર્ષની ઉંમરના ગ્રેન્ડમાસ્ટર પીટર વેલ્સને પરાજિત કરીને સનસનાટી મચાવી દીધી હતી.

અમેરિકી ખેલાડીનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો
સૌથી નાની ઉંમરે ગ્રેન્ડમાસ્ટર ખેલાડીને હરાવવાની બાબતમાં બોધના શિવાનંદને અમેરિકન ખેલાડી કૅરિસા યિપ (Yip)નો છ વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. બોધનાની ઉંમર 10 વર્ષ, પાંચ મહિના અને ત્રણ દિવસ છે. કૅરિસાએ 2019માં ગ્રેન્ડમાસ્ટરને પરાજિત કર્યા હતા ત્યારે તેની ઉંમર 10 વર્ષ, 11 મહિના અને 20 દિવસ હતી.
જીએમ બનવા કટિબદ્ધ
ચેસમાં ગ્રેન્ડમાસ્ટર હાઇએસ્ટ ટાઇટલ કહેવાય છે અને 10 વર્ષની બોધના આઇએમ બન્યા પછી હવે જીએમ બનવા પ્રતિબદ્ધ છે. હાલમાં બોધનાને વિમેન ઇન્ટરનૅશનલ માસ્ટર (આઇએમ) રૅન્ક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નાગપુરની 19 વર્ષીય દિવ્યા દેશમુખ વર્લ્ડ કપ જીતી એ સાથે તેને આપોઆપ જીએમનું ટાઇટલ પણ મળી ગયું હતું.
પુત્રીની કુશળતાથી પિતા આશ્ચર્યચકિત
બોધના શિવાનંદનના પિતાનું નામ શિવા છે. તેમણે ગયા વર્ષે બ્રિટનની એક જાણીતી વેબસાઇટને મુલાકાતમાં કહ્યું હતું કે ` હું અને મારી પત્ની ચેસમાં જરાય સારું નથી રમી શકતાં, પણ અમારી પુત્રી બોધના બુદ્ધિકસોટીની આ રમતમાં જે સિદ્ધિઓ મેળવી રહી છે એનાથી અમે બધા ચોંકી ગયા છીએ.’
ચેસના મ્હોરાને રમકડાં માનતી હતી
બોધના 2020ની સાલમાં પાંચ વર્ષની હતી ત્યારે તેણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારે શરૂઆતમાં તે શતરંજના મ્હોરાને રમકડાં માનતી હતી. તે એક ઇન્ટરવ્યૂમાં કહે છે, ` મેં પહેલી વાર ચેસ બોર્ડ જોયું ત્યારે મને ખૂબ ગમી ગયું હતું. મને એના મ્હોરા ખૂબ ગમી ગયા હતા. હું તો પ્રાણીઓની ઓળખ બતાવતા એ મ્હોરાને રમકડાં માનીને રમતી હતી, પણ મારા પપ્પાએ મને કહ્યું કે આ રમકડાં નથી, આ એક પ્રકારની મહાન રમત છે જેમાં હરીફાઈઓ થતી હોય છે. બસ, ત્યારથી હું ચેસ રમવામાં મગ્ન થઈ ગઈ હતી.’
બોધનામાં ઘણી ખાસિયતો
બ્રિટિશ ચેસ ફેડરેશનના પ્રવક્તા ડૅની ગૉર્માલીએ કહ્યું છે કે ` બોધના ખૂબ સહજતાપૂર્વક ચાલ ચાલતી હોય છે. જોકે તેની ગેમમાં દૃઢતા અને પાકટતા પણ જોવા મળે છે. તે શાંતિપૂર્વક હરીફને જાળમાં ફસાવે છે અને પછી તેને હરાવે છે. મને તો તેનામાં વર્લ્ડ નંબર-વન અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસન જેવી કુશળતા જોવા મળી રહી છે.’
ચેસથી ગણિતમાં ફાયદો
ખુદ બોધના શિવાનંદન કેમ ચેસ (Chess)માં આટલી બધી રુચિ ધરાવે છે એ વિશે કહે છે, ` મને ચેસ રમવી ખૂબ ગમે છે. ચેસ રમીને હું ખૂબ ખુશ રહું છું. બીજું, ચેસની રમતથી મને ગણિતના વિષયમાં સુધારો કરવામાં મદદ મળી છે. હું ચેસને કારણે ગણતરી વધુ સારી રીતે કરી શકું છું.’
આ પણ વાંચો…સ્પોટર્સ વુમનઃ દિવ્યા દેશમુખ: ભારતીય મહિલા ચેસને મળી નવી દિવ્ય દૃષ્ટિ