પૅરિસ: ભારતનો 21 વર્ષનો પ્રવીણ કુમાર અહીં શુક્રવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ઊંચા કૂદકાની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વિક્રમજનક જમ્પ સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ટી-64 વર્ગમાં પ્રવીણે પાંચ સ્પર્ધકો સામેની હરીફાઈ વચ્ચે સર્વશ્રેષ્ઠ 2.08 મીટર ઊંચા કૂદકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગોલ્ડ જીતી લીધો હતો. તેનો આ બીજો પૅરાલિમ્પિક મેડલ છે. 2021માં ટોક્યોમાં તે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો: પૅરાલિમ્પિક્સની જુડોમાં કપિલ પરમારનો ઐતિહાસિક મેડલ
ટી-64 વર્ગમાં શારીરિક રીતે અક્ષમ જે ઍથ્લીટોએ ભાગ લીધો એમાં અમેરિકાના ડેરેક લૉક્સિડેન્ટે 2.06 મીટર ઊંચા કૂદકા બદલ સિલ્વર મેડલ અને ઉઝબેકિસ્તાનના તેમુરબેક ગિયાઝોવે 2.03 મીટર ઊંચા કૂદકા બદલ બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.
પ્રવીણ નોઇડાનો છે. તેના ગોલ્ડ મેડલ સાથે ભારત કુલ છ ગોલ્ડ બદલ મેડલ-વિજેતા દેશોની યાદીમાં 14મા સ્થાને આવી ગયું હતું. પ્રવીણ પૅરિસ પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર શરદ કુમાર (સિલ્વર) અને મરિયપ્પન થાંગાવેલુ (બ્રૉન્ઝ) પછીનો ત્રીજો ભારતીય સ્પર્ધક છે.
Congratulations to Praveen Kumar on a remarkable performance and winning Gold medal in Men's high jump T64 event at Paris #Paralympics2024. pic.twitter.com/qIe4dgNLQV
— Ministry of Railways (@RailMinIndia) September 6, 2024
ટી-64 કૅટેગરીમાં એવા સ્પર્ધકોનો સમાવેશ હોય છે જેમનો પગ ટૂંકો હોય છે અથવા પગની મૂવમેન્ટમાં તકલીફ હોય અથવા એક કે બન્ને પગ ગુમાવી ચૂક્યા હોય. પ્રવીણનો એક પગ જન્મથી જ ટૂંકો છે. નાનપણમાં પહેલાં તે વૉલીબૉલ રમતો હતો, પણ પછીથી ઊંચા કૂદકામાં તેને રુચિ થઈ હતી અને એની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો: હરવિન્દરનો તીરંદાજીમાં ઐતિહાસિક ગોલ્ડ, પરમબીરનો એશિયન રેકૉર્ડ સાથે સુવર્ણ
પૅરાલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતનો આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. શુક્રવારે સાંજે ભારતના કુલ 26 ચંદ્રકમાં છ ગોલ્ડ ઉપરાંત નવ સિલ્વર અને અગિયાર બ્રૉન્ઝનો સમાવેશ હતો.
પ્રવીણે 1.89 મીટરની ઊંચાઈ રખાવીને પ્રયાસોની શરૂઆત કરી હતી અને પહેલા જ પ્રયાસમાં મોખરે હતો અને ગોલ્ડ મેડલ માટે ત્યારથી જ મજબૂત દાવેદાર હતો.
ત્યાર બાદ સ્પર્ધકો માટેનું બાર 2.10 મીટર ઊંચુ કરવામાં આવ્યું હતું અને એમાં પ્રવીણ અને લૉક્સિડેન્ટ વચ્ચે તીવ્ર હરીફાઈ જામી હતી. છેવટે પ્રવીણ ચૅમ્પિયન બન્યો હતો.