પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ફોગાટ બહેનોએ ભારતમાં મહિલા કુસ્તીનો વારસો સમૃદ્ધ કર્યો

વિનેશ ફોગાટે મંગળવારે 6 ઓગસ્ટના રોજ મહિલાઓની 50 કિગ્રા ફ્રીસ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવી હતી. હવે વિનેશની ફાઈનલ એટલે કે ગોલ્ડ મેડલ મેચ બુધવારે એટલે કે આજે 7 ઓગસ્ટના રોજ યોજાશે. હવે તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. એકંદરે, વિનેશે ભારત માટે મેડલ સુનિશ્ચિત કરી દીધો છે.

બાય ધ વે, ફોગાટ પરિવાર જેમાંથી વિનેશ આવે છે તેની છ દીકરીઓમાંથી દરેકે ભારતનું ગૌરવ વધાર્યું છે. બોલિવૂડની ફિલ્મ ‘દંગલ’માં વિનેશ ફોગટના કાકા અને ગુરુ મહાવીર ફોગટની વાર્તા બતાવવામાં આવી છે. ફોગટને તેમના કોચિંગ માટે ભારત સરકારે દ્રોણાચાર્ય એવોર્ડ પણ આપ્યો છે.

જો આપણે ફોગાટ રેસલર બહેનોની વાત કરીએ તો તેમાં ગીતા, બબીતા, પ્રિયંકા, રીતુ, વિનેશ અને સંગીતાનો સમાવેશ થાય છે. તેમાંથી, ગીતા, બબીતા, રિતુ અને સંગીતા પૂર્વ કુસ્તીબાજ અને કોચ મહાવીર સિંહ ફોગાટની પુત્રીઓ છે. જ્યારે પ્રિયંકા અને વિનેશનો ઉછેર મહાવીર દ્વારા થયો હતો. વિનેશે 9 વર્ષની ઉંમરે પિતા રાજપાલને ગુમાવ્યા હતા. મહાવીર ફોગાટ વિનેશના કાકા છે.

મહાવીર ફોગાટે ભિવાની જિલ્લાના તેમના ગામ બલાલીમાં તમામ છ બહેનોને કુસ્તીના દાવપેચ અને બારીકાઈઓ શીખવી હતી. ફોગાટ બહેનોમાંથી ત્રણ, ગીતા, બબીતા ​​અને વિનેશ કોમનવેલ્થ ગેમ્સમાં વિવિધ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ વિજેતા બની છે, જ્યારે પ્રિયંકાએ એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. રિતુ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા છે અને સંગીતાએ એજ લેવલ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા છે.

ગીતા ફોગાટે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 55 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિકમાં તે હારી ગઇ હતી, પણ ટૂંક સમય બાદ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગીતાએ 55 કિગ્રા વર્ગમાં તેનો પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ જીત્યો હતો.

બબીતા ​​ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં 55 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને પછી 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 53 કિગ્રામાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે 2019 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી, પરંતુ તે એક વ્યાવસાયિક કુસ્તીબાજ રહી છે.

ગીતા અને બબીતાની બે નાની બહેનો રીતુ અને સંગીતાએ પણ ઘણી ઇવેન્ટ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રિતુ ફોગાટે 2016 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને 2017 એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે, ત્યારથી તેણે પોતાનું ધ્યાન મિશ્ર માર્શલ આર્ટ (MMA) તરફ વાળ્યું છે. સૌથી નાની બહેન, સંગીતા ફોગાટ, એક કુસ્તીબાજ છે, જેણે કેટલીક ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020ના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા સાથે લગ્ન કર્યા છે.

વિનેશ ફોગાટે વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર દેખાવ કર્યો છે. વિનેશ ઈતિહાસની સૌથી સફળ ભારતીય કુસ્તીબાજોમાંથી એક છે. જોકે, અગાઉની ઓલિમ્પિક ગેમ્સમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, પરંતુ હવે તે અહીં પણ મેડલ જીતવાની ખૂબ નજીક પહોંચી ગઇ છે.

મહાવીર ફોગાટની તેમની દીકરીઓને રેસલર બનાવવાની વાત તો આપણે દંગલ ફિલ્મમાં જોઇ જ છે. તેમનું માનવું છે કે જો કોઇ મહિલા દેશની વડા પ્રધાન બની શકે તો તે દેશની કુસ્તીબાજ કેમ ના બની શકે? બસ તેમની આ વિચારસરણીએ જ દેશને રેસલીંગમાં ઝળહળતી ફતેહ અપાવી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button