ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ જીત્યા, મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પણ સામેલ…

અસ્તાના (કઝાકિસ્તાન): ભારતે આજે અહીં એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ સહિત ત્રણ મેડલ સાથે તેના અભિયાનનો અંત કર્યો હતો. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ચીનની વર્તમાન વિશ્વ ચેમ્પિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનાર આહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીની વિશ્વમાં 15માં ક્રમાંકિત ભારતીય જોડી સેમિફાઇનલમાં જાપાનના મિવા હરિમોતો અને મિયુ કિહારા સામે 30 મિનિટથી પણ ઓછા સમયમાં 4-11, 9-11, 8-11થી હારી ગઇ હતી.
ભારતીય જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે ભારતે મહિલા ડબલ્સમાં મેડલ જીત્યો હોય. ભારતીય જોડીએ અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં દક્ષિણ કોરિયાના કિમ નાયોંગ અને લી યૂન્હેને હરાવીને મેડલ મેળવ્યો હતો.
ભારતીય મહિલા ટીમે અગાઉ ટીમ ઈવેન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનિકા બત્રા, આહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીની ભારતીય ટીમ સેમિફાઇનલમાં જાપાન સામે 1-3થી હારી ગઈ હતી પરંતુ અંતિમ ચારમાં પહોંચીને તેણે બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો હતો.
1972માં આ સ્પર્ધા શરૂ થયા બાદ આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે મહિલા ટીમ ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. મેન્સ કેટેગરીમાં અચંતા શરથ કમલ, માનવ ઠક્કર અને હરમીત દેસાઈની ભારતીય ટીમ સેમિફાઈનલમાં ચીની તાઈપેઈ સામે 0-3થી હારી ગઈ હતી, પરંતુ છેલ્લા ચારમાં પહોંચીને તે સતત ત્રીજી વખત મેડલ જીતવામાં સફળ રહી હતી.
મેન્સ સિંગલ્સમાં માનવ ઠક્કર અને માનુષ શાહ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ બહાર થઈ ગયા હતા. ઠક્કરનો હોંગકોંગના બાલ્ડવિન ચાન સામે 4-11, 4-11, 8-11થી પરાજય થયો હતો જ્યારે માનુષને ચીની તાઈપેઈના લિન યુન જુ સામે 8-11 5-11 11-7 11-6 12-14થી હારનો સામનો કરવો પડ્યો હતો.