ફરી ડિસેમ્બર મહિનો, ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી અને શેફાલી વર્માને…
ભારતની 16 ખેલાડીઓની મહિલા ટીમ જાહેર કરાઈ, જાણો કોણ-કોણ છે સ્કવૉડમાં…

મુંબઈઃ એક સમયે ભારતની સૌથી આક્રમક બૅટર ગણાતી ઓપનર શેફાલી વર્મા સવાત્રણ વર્ષની વન-ડે કરીઅરમાં ખાસ કંઈ સારું પર્ફોર્મ નથી કરી શકી અને માત્ર ચાર હાફ સેન્ચુરીની મદદથી તેણે ફક્ત 23.00ની સરેરાશે કુલ 644 રન બનાવ્યા છે અને હવે તેણે નિરાશાજનક પર્ફોર્મન્સ બદલ ઑસ્ટ્રેલિયા સામેની ટૂરમાંથી પોતાની બાદબાકી થતી જોવી પડી છે. તેને ઑસ્ટ્રેલિયા ખાતેની આગામી વન-ડે ટૂર માટેની ટીમમાં સામેલ નથી કરવામાં આવી. શેફાલીને ગયા વર્ષે ડિસેમ્બરમાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ દરમ્યાન અધવચ્ચે જ ડ્રૉપ કરવામાં આવી હતી. જોકે જૂનમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝથી તેણે ટીમમાં પુનરાગમન કર્યું હતું.
ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં ત્રણ વન-ડે રમશે. વિકેટકીપર-બૅટર રિચા ઘોષ બારમાની બોર્ડની પરીક્ષા બદલ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં નહોતી રમી શકી અને તેણે ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસની ટીમમાં કમબૅક કર્યું છે.
ત્રણ વન-ડે 5, 8, 11 ડિસેમ્બરે રમાશે. પહેલી બે મૅચ બ્રિસ્બેનમાં અને ત્રીજી મૅચ પર્થમાં રમાવાની છે. બૅટર પ્રિયા પુનિયા, બૅટિંગ ઑલરાઉન્ડર હર્લીન દેઓલ અને ઑફ સ્પિનર મીનુ મની તેમ જ ફાસ્ટ બોલર ટિટાસ સાધુને 16 ખેલાડીઓની ટીમમાં સમાવવામાં આવી છે.
20 વર્ષની શેફાલી વર્મા હાલમાં ફૉર્મમાં નથી. તેણે છેલ્લી છ મૅચમાં કુલ ફક્ત 108 રન બનાવ્યા છે જેમાં 33 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.
આ પણ વાંચો : IND vs AUS: આ 4 ખેલાડી સિરીઝનું પરિણામ બદલી શકે છે! મેથ્યુ હેડને કરી ભવિષ્યવાણી
શેફાલીએ જૂન, 2021માં ટીમમાં પ્રવેશ કર્યો ત્યારે તેના અમુક પર્ફોર્મન્સ જોતાં તેને ભવિષ્યની ભારતીય ક્રિકેટ ટીમની મુખ્ય બૅટર તરીકે ઓળખાવવામાં આવી હતી. જોકે જુલાઈ, 2022માં શ્રીલંકા સામેના અણનમ 71 રન બાદ તે એક પણ હાફ સેન્ચુરી નથી ફટકારી શકી.
ભારતની વન-ડે ટીમઃ
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જેમાઇમા રૉડ્રિગ્સ, તેજલ હસબનીસ, ટિટાસ સાધુ, પ્રિયા પુનિયા, દીપ્તિ શર્મા, મીનુ મની, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, હર્લીન દેઓલ, પ્રિયા મિશ્રા અને સાઇમા ઠાકોર.