સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યા બાદ ભારતે મેળવી જીત…

વિશાખાપટનમઃ અહીં રવિવારે વન-ડેની વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય મહિલા ખેલાડીઓએ શ્રીલંકાને ટી-20 સિરીઝની પ્રથમ ટી-20માં આઠ વિકેટે હરાવીને 1-0થી સરસાઈ મેળવી એ પહેલાં ઓપનર સ્મૃતિ મંધાના (પચીસ રન, પચીસ બૉલ, ચાર ફોર)એ ભારત વતી ટી-20માં નવો ઇતિહાસ રચ્યો હતો. તે આ ફૉર્મેટમાં 4,000 રન પૂરા કરનારી પ્રથમ ભારતીય બૅટર બની હતી.

એટલું જ નહીં 4,000 રનની સિદ્ધિ મેળવનારી વિશ્વની તે (Smriti Mandhana) માત્ર બીજી જ બૅટર છે. આ ફૉર્મેટમાં તેના નામે અત્યારે કુલ 4,007 રન છે. ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સના ટી-20માં કુલ 4,716 રન છે અને તે પ્રથમ સ્થાને છે. હરમનપ્રીત કૌર આ યાદીમાં 3,654 રન સાથે ત્રીજા નંબરે છે.

BCCI

શ્રીલંકાએ ભારત(India)ને સિરીઝની પ્રથમ ટી-20માં 122 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 14.4 ઓવરમાં બે વિકેટે 122 રન કરી લીધા હતા. જેમાઇમા રૉડ્રિગ્સ (69 અણનમ, 44 બૉલ, દસ ફોર)નું બૅટિંગમાં સૌથી મોટું યોગદાન હતું. તેની સાથે હરમનપ્રીત 15 રને અણનમ રહી હતી. વર્લ્ડ કપ ફાઇનલની સ્ટાર બૅટર શેફાલી વર્મા માત્ર નવ રન કરીને આઉટ થઈ ગઈ હતી.

એ પહેલાં, ભારતીય બોલર્સે શ્રીલંકન બૅટર્સને કાબૂમાં રાખી હતી જેને કારણે તેઓ 20 ઓવરમાં છ વિકેટે 121 રન કરી શકી હતી. વિકેટકીપર રિચા ઘોષે ત્રણ શ્રીલંકન બૅટરને રનઆઉટ કરી હતી. ક્રાંતિ ગૌડ, દીપ્તિ શર્મા અને શ્રી ચરનીને એક-અકે વિકેટ મળી હતી.

BCCI

ભારતની નવી ખેલાડી 20 વર્ષીય સ્પિનર વૈષ્ણવી શર્માને ગઈ કાલે ટી-20 કૅપ આપવામાં આવી હતી. તેને વિકેટ નહોતી મળી, પણ તેણે 4-0-16-0ની બોલિંગ ઍનેલિસિસ સાથે પ્રભાવ પાડ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button