મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વિજયી આરંભઃ દીપ્તિ શર્મા સુપરસ્ટાર...
Top Newsસ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વિજયી આરંભઃ દીપ્તિ શર્મા સુપરસ્ટાર…

ગુવાહાટીઃ અહીં મંગળવારે શાનદાર ઓપનિંગ સેરેમની બાદ શરૂ થયેલી મહિલાઓ વન-ડે વર્લ્ડ કપ (women world cup)ની પ્રથમ મૅચમાં ભારતે વરસાદના વિઘ્નો વચ્ચે સહ-યજમાન શ્રીલંકાને (ડકવર્થ/લુઇસ પધ્ધતિ મુજબ) 47 ઓવરમાં 271 રન કરવાનો લક્ષ્યાંક આપ્યા બાદ એને 211 રનમાં ઑલઆઉટ કરીને 59 રનથી જીતીને સ્પર્ધામાં વિજયી શ્રીગણેશ કર્યા હતા.

છેક સુધી (46મી ઓવર સુધી) ભારત (india)ને સારી લડત આપનાર શ્રીલંકાએ 30મા રને પ્રથમ વિકેટ ગુમાવી ત્યાર બાદ બાવન રનની ભાગીદારી પછી સમયાંતરે વિકેટ પડતી રહી હતી અને એ સિલસિલો છેક સુધી ચાલ્યો હતો. દીપ્તિ શર્માએ ત્રણ તેમ જ શ્રી ચરની, સ્નેહ રાણાએ બે-બે તેમ જ ક્રાંતિ ગૌડ સહિત ત્રણ બોલરે એક-એક વિકેટ લીધી હતી.

વરસાદને લીધે મૅચ 50ને બદલે 48 ઓવરની કરાઈ હતી. ભારતે બૅટિંગ મળ્યા બાદ આઠ વિકેટે 269 રન કર્યા હતા જેમાં અમનજોત કૌર (57 રન) અને દીપ્તિ શર્મા (53 રન)ની હાફ સેન્ચુરી સામેલ હતી.

વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (આઠ રન) સારું નહોતી રમી શકી, પરંતુ હર્લીન દેઓલ (48 રન), ઓપનર પ્રતીકા રાવલ (37 રન), સ્નેહ રાણા (અણનમ 28) તથા કૅપ્ટન હરમનપ્રીત (21 રન)ના સાધારણ યોગદાન હતા.

જેમાઇમા રૉડ્રિગ્સ પોતાના પહેલા બૉલ પર જ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકન લેફ્ટ-આર્મ સ્પિનર ઇનોકા રણવીરાએ ભારતની સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

https://twitter.com/filmfare/status/1972959920933986586

એ પહેલાં મૅચના આરંભ પહેલાં વિખ્યાત પાર્શ્વગાયિકા શ્રેયા ઘોસલે રાષ્ટ્ર ગીત ગાયું હતું તેમ જ ઓપનિંગ સેરેમનીમાં સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પણ વાંચો…દીપ્તિ શર્માએ વન-હૅન્ડેડ શૉટમાં ફટકારેલી સિક્સરનો શ્રેય કોને આપ્યો, જાણો છો?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button