ભારતીય બૅટરને ગુડબાય કરવાનું ભારે પડ્યું, સાઉથ આફ્રિકાની બોલરને મળ્યો ઠપકો…

વિશાખાપટનમઃ ગુરુવારે અહીં મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતના 83 રનના કુલ સ્કોર પર વનડાઉન બૅટર હર્લીન દેઓલ (13 રન)ને ક્લીન બોલ્ડ કર્યા પછી હાથ બતાવીને તેને ગુડબાય (Goodbye) કરવા બદલ મૅચ રેફરી ટ્રુડી ઍન્ડરસને સાઉથ આફ્રિકાની લેફ્ટ-આર્મ સ્પિનર નૉનકુલુલેકો ઍમ્લાબા (Mlaba)ને ઠપકો આપ્યો છે અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ લખી નાખ્યો છે.
મૅચ રેફરીનું કહેવું છે કે ઍમ્લાબાએ જે ઇશારો કર્યો એ હરીફ ખેલાડીને ઉશ્કેરવા સમાન હતો. મૅચ રેફરીનું એવું પણ માનવું છે કે આવા સંકેતથી હરીફ ખેલાડીએ (આ કિસ્સામાં હર્લીન દેઓલે) ઉશ્કેરાઈને આક્રમક પ્રતિક્રિયા બતાવી હોત જેને પગલે મામલો વધુ બગડી શક્યો હોત.
ઍમ્લાબાએ આઇસીસીની કલમ 2.5નો ભંગ કર્યો હતો. બન્ને ગ્રાઉન્ડ અમ્પાયર તેમ જ ટીવી અમ્પાયર અને ફૉર્થ અમ્પાયરે ઍમ્લાબા વિરુદ્ધ મૅચ રેફરીને ફરિયાદ કરી હતી જેને પગલે મૅચ રેફરીએ ઍમ્લાબાને પોતાની ચૅમ્બરમાં બોલવી હતી. ઍમ્લાબાએ ગુનો કબૂલી લીધો હતો અને પોતાને ઠપકો આપવા ઉપરાંત એક ડીમેરિટની જે સજા કરી એ તરત સ્વીકારી લીધી હતી.
જે ખેલાડીના નામે 24 મહિનાની અંદર ચાર કે વધુ ડીમેરિટ પૉઇન્ટ લખાઈ જાય તેને એક ટેસ્ટ કે બે વન-ડે અથવા બે ટી-20માં રમવાની મનાઈ કરવામાં આવે છે.
ગુરુવારે સાઉથ આફ્રિકાએ થ્રિલરમાં ભારતને સાત બૉલ અને ત્રણ વિકેટ બાકી રાખીને હરાવ્યું હતું. ઍમ્લાબાએ હર્લીન દેઓલ (Deol)ની પહેલાં સ્મૃતિ મંધાના (23 રન)ને પણ આઉટ કરી હતી. એ મૅચમાં વિકેટકીપર રિચા ઘોષની લડાયક 94 રનની ઇનિંગ્સ એળે ગઈ હતી.
આ પણ વાંચો…મહિલા વર્લ્ડ કપમાં જય શ્રી રામ : સાઉથ આફ્રિકાની બૅટરે સેન્ચુરી કર્યા પછી તીર છોડ્યું’