Top Newsસ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન…

થર્ડ ટાઇમ લકીઃ બે ફાઇનલ હાર્યા પછી ત્રીજીમાં ચૅમ્પિયન બનીને રહીઃ ભારત 7/298, સાઉથ આફ્રિકા 10/246

નવી મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટરોએ રવિવારે નવો ઇતિહાસ સર્જ્યો. તેમણે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં બાવન રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી જ વાર વર્લ્ડ કપ જીતી છે. અગાઉ બે વખત 2005માં અને 2017માં ફાઇનલમાં હારી ગયા બાદ ભારતે ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સર્વોચ્ચ ટ્રોફી જીતી લીધી.

ભારતના પુરુષોની વન-ડે ટીમે 1983માં કપિલ દેવના નેતૃત્વમાં પહેલી વર્લ્ડ કપ ટ્રોફી મેળવી હતી અને હવે હરમનપ્રીત કૌરે ભારતની મહિલા ક્રિકેટને આ અપ્રતિમ સિદ્ધિ અપાવી છે. ઘરઆંગણે આવેલી ટ્રોફીને ભારતીય ટીમે પોતાના કબજામાં કરી જ લીધી. હરમનપ્રીત, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના સહિત તમામ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈને રડી હતી, એકમેકને ભેટી હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકાની પ્લેયર્સ પરાજયના આઘાતમાં હતાશ હતી.

વરસાદના વિઘ્નોને કારણે લગભગ બે કલાક મોડી શરૂ થયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં 246 રને ઑલઆઉટ થઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (9.3-0-39-5) ફાઇનલની સુપરસ્ટાર બોલર હતી. બીજી બે સ્પિનર શેફાલી વર્માએ બે વિકેટ અને શ્રી ચરનીએ એક વિકેટ લીધી હતી.

ભારતે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કરીને સાઉથ આફ્રિકાને 299 રનનો તોતિંગ તથા મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ સહિત કેટલીક ગણતરીની બૅટર્સને ભારતીય બોલર્સ કાબૂમાં રાખતાં ભારતીય મહિલાઓ માટે પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતવી મુશ્કેલ કામ નહોતું એવું મનાતું હતું અને થયું પણ એવું જ. વિમેન ઇન બ્લૂ ટ્રોફી જીતીને રહી.

ભારતના 298 રનમાં ખાસ કરીને શેફાલી વર્મા (87 રન, 78 બૉલ, બે સિક્સર, સાત ફોર), દીપ્તિ શર્મા (58 રન, 58 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), સ્મૃતિ મંધાના (45 રન, 58 બૉલ, આઠ ફોર) તેમ જ વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના યોગદાન હતા. જેમિમા રૉડ્રિગ્સે 24 રન અને કૅપ્ટન હરમનપ્રીતે 20 રન કર્યા હતા. પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સેન્ચુરી (169 રન) કરનાર કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે રવિવારે લડાયક ઇનિંગ્સ (101 રન, 98 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)માં સદી ફટકારી ત્યારે સેલિબ્રેશન ટાળ્યું હતું, કારણકે તેની ટીમ હારી રહી હતી. છેવટે 42મી ઓવરમાં વૉલ્વાર્ટે દીપ્તિ શર્માના બૉલમાં બિગ શૉટ માર્યો અને મિડ વિકેટ પરથી દોડી આવેલી અમનજોત કૌરે જગલિંગ ઍક્ટમાં (ત્રીજા અટૅમ્પ્ટમાં) તેનો અફલાતૂન કૅચ ઝીલી લીધો હતો. એ સાથે ફાઇટિંગ સ્પિરિટ સાથે રમેલી ઓપનર વૉલ્વાર્ટની યાદગાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

વૉલ્વાર્ટ ઓપનિંગમાં આવ્યા બાદ આઉટ જ નહોતી થતી એટલે ભારતીય બોલર્સે તેની સામા છેડા પરની બૅટરને લક્ષ્યાંક બનાવી હતી અને એક પછી એક બૅટરને આઉટ કરીને સાઉથ આફ્રિકાની ટીમને માનસિક દબાણમાં લાવી હતી. ભારતીય ફીલ્ડર્સની ફીલ્ડિંગ થોડી ખરાબ હતી. જોકે દીપ્તિએ 36મી ઓવરમાં ડર્કસેન (35 રન)નો કૅચ છોડ્યા બાદ તેને આઉટ કરી હતી.

ભારતની સાવચેતીભરી શરૂઆત

સાંજે ભારતે બૅટિંગ મળ્યા બાદ સાવચેતીભરી શરૂઆત કરી હતી અને પછીથી આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ચોક્કા પર ચોક્કા ફટકારીને હજારો પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું અને જીત માટેનો પાયો નાખવાની શરૂઆત કરી હતી.

સ્મૃતિ આઉટ, જેમિમાની એન્ટ્રીથી પબ્લિક ખુશ

ભારતે 18મી ઓવરમાં 100 રન પૂરા કર્યા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાએ વિકેટ ગુમાવી હતી. લેફ્ટ-આર્મ સ્પિનર ક્લૉ ટ્રાયૉનને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ મળી અને તેણે સ્મૃતિની વિકેટ અપાવી હતી. સ્મૃતિની વિકેટ પડ્યા બાદ જેમિમા રૉડ્રિગ્સ મેદાન પર ઊતરતાં જ હજારો પ્રેક્ષકોએ તેને તાળી પાડીને તેમ જ તેના નામનાં બૅનર સાથે આવકારી હતી. મેન્સ ક્રિકેટમાં દાયકાઓથી જેમ કોઈ લોકપ્રિય ખેલાડી મેદાન પર આવતાં પ્રેક્ષકો ખુશી વ્યક્ત કરતા હોય છે એવું હવે મહિલા ક્રિકેટમાં પણ જોવા મળ્યું છે.

શેફાલી પ્રથમ સેન્ચુરી ચૂકી

ભારતની યુવાન અને આક્રમક ઓપનર શેફાલી વર્મા (87 રન) ધમાકેદાર પર્ફોર્મ કરીને માત્ર 13 રન માટે વન-ડે કરીઅરની પહેલી સેન્ચુરી ચૂકી ગઈ હતી. તેણે સ્મૃતિ મંધાના (45 રન) સાથે 104 રનની અને જેમિમા રૉડ્રિગ્સ (24 રન, 37 બૉલ, એક ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી. ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 127 રન કરનાર જેમિમા પેસ બોલર ખાકાના બૉલમાં કૅપ્ટન વૉલ્વાર્ટને કૅચ આપી બેઠી હતી. એ પહેલાં, ખાકાના જ બૉલમાં શેફાલી સુન લુસના હાથમાં કૅચઆઉટ થઈ હતી.

ICC

ભારતીય મહિલા બૅટર્સે 200 રન પૂરા કર્યા પછી રનમશીનને વેગ મળ્યો

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતે 35 ઓવરમાં 200 રન પૂરા કર્યા પછી રનમશીનને વેગ આપ્યો હતો, પરંતુ 223મા રને હરમનપ્રીત ક્રૉસ બૅટથી રમવા જતાં ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકન ફીલ્ડર્સની ખરાબ ફીલ્ડિંગ વચ્ચે 40 ઓવરમાં ભારતનો સ્કોર 4/229 હતો. ત્યાર બાદ સ્કોર થોડો ધીમો પડી ગયો હતો અને 42મી ઓવરને અંતે સ્કોર 4/243 હતો. દીપ્તિ શર્મા (41 રન) સાથે અમનજોત કૌર (11 રન) રમી રહી હતી.


ભારતની મહિલા ક્રિકેટરો પર 163 કરોડ રૂપિયાનો વરસાદ

આઇસીસી તરફથી 38 કરોડનું પ્રથમ ઇનામ અને બીસીસીઆઇ આપશે અંદાજે 125 કરોડ રૂપિયાઃ શેફાલીએ શાનથી જિતાડ્યાંઃ બૅટિંગ પછી બોલિંગમાં પરચો દેખાડ્યો

નવી મુંબઈઃ ભારતે રવિવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની ફાઇનલમાં રોમાંચક વિજય મેળવ્યો એમાં શેફાલી વર્મા (87 રન અને પછી બે વિકેટ) સ્ટાર પર્ફોર્મર હતી. દીપ્તિ શર્મા (58 રન અને પાંચ વિકેટ)નો પર્ફોર્મન્સ પર અસાધારણ હતો.

શેફાલીને આક્રમક ઓપનર અને ઈજાગ્રસ્ત પ્રતીકા રાવલના સ્થાને ટીમમાં સમાવવામાં આવી હતી અને શેફાલીએ પોતાના પર સિલેક્ટર્સ તેમ જ ટીમ મૅનેજમેન્ટે મૂકેલા વિશ્વાસને એળે નહોતો જવા દીધો.

ICC

ભારતની ચૅમ્પિયન મહિલા ટીમને વર્લ્ડ કપના આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તરફથી 38 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ અને ક્રિકેટ જગતના સૌથી શ્રીમંત બોર્ડ બીસીસીઆઇ તરફથી અંદાજે 125 કરોડ રૂપિયાનું ખાસ ઇનામ મળવાનું હોવાથી તેમનાં પર કુલ મળીને 163 કરોડ રૂપિયા જેટલા તોતિંગ ઇનામની વર્ષા થઈ એમ કહી શકાય.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button