ભારત લીગ રાઉન્ડની હારનો બદલો રવિવારે ફાઇનલમાં લેશે?

મહિલા વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સાથે ટક્કરઃ બપોરે 3.00 વાગ્યે મુકાબલો શરૂ
નવી મુંબઈઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં મહિલા ક્રિકેટરો ભારત માટે નવો ઇતિહાસ સર્જવાની તૈયારીમાં છે. રવિવાર, બીજી નવેમ્બરે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપમાં ભારત (India)ની સાઉથ આફ્રિકા (South Africa) સામે ફાઇનલ (બપોરે 3.00 વાગ્યાથી લાઇવ) રમાશે.
1983માં કપિલ દેવના સુકાનમાં ભારતે પુરુષ ક્રિકેટમાં પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી અને હવે હરમનપ્રીત મહિલાઓમાં તેમના જેવી સિદ્ધિ મેળવી શકે એમ છે. લીગ રાઉન્ડમાં સાઉથ આફ્રિકા સામે ભારત હારી ગયું હતું, પરંતુ એ હારનો બદલો હરમનપ્રીત (Harmanpreet)ની ટીમ રવિવારે લઈ શકે.
આ ફાઇનલ જીતવા માટે ભારતીય ટીમ ફેવરિટ છે. ડી. વાય. પાટીલનું મેદાન હાઈ-સ્કોરિંગ માટે જાણીતું છે. જોકે સાંજે ભેજ પણ ખેલાડીઓના પર્ફોર્મન્સ પર અસર કરી શકે. ખાસ કરીને ભારતની બૅટિંગ લાઇન-અપ જબરદસ્ત ફૉર્મમાં છે. જેમિમા રૉડ્રિગ્સે ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં અણનમ 127 રન કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌર તેમ જ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના પણ બહુ સારા ફૉર્મમાં છે.
ભારતીય મહિલા ટીમ રવિવારે ફાઇનલ જીતશે તો ક્રિકેટમાં ભારતીય મહિલાઓનું એ સૌપ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ કહેવાશે. ભારત અગાઉ વન-ડે ક્રિકેટમાં બે વખત વર્લ્ડ કપની ફાઇનલમાં (2005માં અને 2017માં) પહોંચ્યું હતું, પરંતુ પરાજિત થયું હતું. 2005નો પરાજય ઑસ્ટ્રેલિયા સામે અને 2017નો પરાજય ઇંગ્લૅન્ડ સામે હતો.
આ વખતે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાને સેમિ ફાઇનલમાં હરાવીને એને સિંહાસનથી વંચિત રખાવ્યું છે. ઑસ્ટ્રેલિયા અગાઉના 12માંથી સાત ટાઇટલ જીત્યું હતું.

ભારત રવિવારે જીતશે તો દેશમાં મહિલા ક્રિકેટની લોકપ્રિયતામાં પ્રચંડ વધારો જોવા મળશે. ત્રણ વર્ષ પહેલાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની શરૂઆત કરવામાં આવી ત્યારે મહિલા ક્રિકેટની પૉપ્યુલારિટી જે રીતે વધવા લાગી એના કરતાં અનેકગણી વધુ વર્લ્ડ કપના વિજયને પગલે જોવા મળશે.



