પાકિસ્તાનની બૅટરે બૅટ પછાડ્યું એટલે મૅચ રેફરીએ લીધા આ પગલાં…

કોલંબોઃ રવિવારે અહીં ભારત સામેની વન-ડે વર્લ્ડ કપની મહત્ત્વની મૅચમાં પાકિસ્તાન (Pakistan)ની બૅટર્સમાં એકમાત્ર સિડ્રા અમીને (81 રન, 106 બૉલ, એક સિક્સર, નવ ફોર) લડત આપી હતી અને 40મી ઓવરમાં ઑફ-સ્પિનર સ્નેહ રાણાના પાંચમા બૉલમાં તે સ્વીપ શૉટની ઉતાવળમાં સ્ક્વેર લેગના સ્થાન પર ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરને કૅચ આપી બેઠી ત્યાર પછી તેણે પોતાની ભૂલને કારણે પસ્તાઈને ગુસ્સામાં બૅટ નીચે પછાડ્યું એ બદલ તેને મૅચ રેફરી શાન્ડ્રે ફ્રિટ્ઝે ઠપકો આપ્યો અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ લખ્યો હતો.
સિડ્રા અમીને (Sidra Amin) આઇસીસીની લેવલ-1 પ્રકારની આચારસંહિતા (Code of conduct)નો ભંગ કર્યો હતો. આર્ટિકલ 2.2 મુજબ જો કોઈ ખેલાડી કે તેના સપોર્ટ સ્ટાફના મેમ્બરે મૅચ દરમ્યાન ક્રિકેટ સંબંધિત સાધનનો અનાદર કર્યો હોય તો તેને સજા કરવામાં આવે છે જેમાં તેને ઠપકો અપાય છે અને તેનો ગુનો વધુ ગંભીર હોય તો તેને સસ્પેન્ડ કરવા કે દંડ કરવા સહિતના વધુ આકરાં પગલાં લેવામાં આવે છે.
ભારતે પાકિસ્તાનને 248 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાનના માત્ર છ રનના સ્કોર પર બૅટિંગ કરવા આવેલી સિડ્રા 40મી ઓવરમાં આઉટ થઈ ત્યારે પાકિસ્તાનનો સ્કોર 8/150 હતો અને પાકિસ્તાને જીતવા બીજા 98 રન કરવાના બાકી હતી. સિડ્રાને કોઈ પણ બૅટરનો લાંબા સમય સુધી સાથ નહોતો મળ્યો. સિડ્રાએ વિકેટ ગુમાવ્યા બાદ ક્રોધમાં આવીને જમીન પર બૅટ પછાડ્યું હતું, પૅવિલિયન નજીક પહોંચી ત્યારે તે રડી રહી હતી અને દાદર ચડતી વખતે પણ તેણે બૅટ પછાડ્યું હતું.
સાઉથ આફ્રિકન મૅચ રેફરી શાન્ડ્રેએ મૅચ પછી તેને પોતાની ચૅમ્બરમાં બોલવી ત્યારે સિડ્રાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો એટલે તેને માત્ર ઠપકો આપીને છોડી દેવામાં આવી હતી.
આ પણ વાંચો…પાકિસ્તાનનું ફરી નાક કપાયું: પુરુષોની જેમ મહિલાઓની મૅચમાં પણ ભારતીય ટીમે…