મહિલા વર્લ્ડ કપ: આજે ભારત જીતીને સેમિ ફાઈનલમાં પહોંચી શકે…

નવી મુંબઈ: આજે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાનારી મહિલાઓની વન-ડે વર્લ્ડ કપ મૅચમાં વિજય મેળવીને સેમિ ફાઈનલમાં સ્થાન મજબૂત કરવાનો ન્યૂ ઝીલેન્ડને સારો મોકો છે, પણ ભારત જો જીતશે તો સેમિમાં પહોંચનારો ચોથો દેશ બની જ જશે. ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા સેમિમાં પહોંચી ગયા છે.
વરસાદની થોડી સંભાવના
આજે નવી મુંબઈ (Navi Mumbai)માં વરસાદની થોડી સંભાવના છે. ભારત (India) આજે જીતશે તો પોઈન્ટ્સ ટેબલમાં (છેલ્લી પાંચ ટીમમાં) ત્રણ વિજય સાથે છ પોઇન્ટ નોંધાવનારી પહેલી જ ટીમ બનશે. બીજી બે હરીફ ટીમ ન્યૂ ઝીલેન્ડ (New Zealand) અને શ્રીલંકા (જેને નજીવો ચાન્સ છે)ના નામે લીગ રાઉન્ડને અંતે ત્રણ વિજય નહીં થાય અને નિયમ મુજબ સેમિ માટેની હરીફાઈવાળી ટીમોમાં સૌથી વધુ મૅચ જીતનારી ટીમ સેમિમાં જાય અને એમાં કિવીઓ તથા શ્રીલંકા કરતાં ભારત ત્રણ વિજય સાથે આગળ હશે.

હૅટ-ટ્રિક હાર બાદ હવે જીતવું પડશે
હરમનપ્રીત કૌરની ટીમ છેલ્લી ત્રણ મૅચ હારી છે એટલે એણે સેમિમાં પહોંચવા ઝઝૂમવું પડી રહ્યું છે. સ્મૃતિ મંધાનાએ આજે વધુ એક ધમાકેદાર ઇનિંગ્સ રમવી પડશે.
ન્યૂ ઝીલૅન્ડ માટે કપરાં ચઢાણ

ભારત આજે ન્યૂ ઝીલૅન્ડ સામે હારે, પણ રવિવારે બાંગ્લાદેશ સામે જીતે તો પણ ભારતને સેમિનો ચાન્સ રહેશે. જોકે એ માટે જરૂરી છે કે ઇંગ્લૅન્ડ રવિવારે ન્યૂ ઝીલૅન્ડને હરાવે. એ જ પ્રમાણે, ન્યૂ ઝીલૅન્ડ આજે જીતે, પણ રવિવારે ઇંગ્લૅન્ડ સામે હારી જાય તો કિવીઓ ઇચ્છશે કે રવિવારે ભારતનો બાંગ્લાદેશ સામે પરાજય થાય.
બુધવારે ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવ્યું
બુધવારે ઇન્દોરમાં ઇંગ્લૅન્ડ (9/244) સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા (40.3 ઓવરમાં 4/248)નો છ વિકેટે વિજય થયો હતો. ગાર્ડનર (104 અણનમ) સેન્ચુરી કરવામાં સફળ થઈ હતી, પણ સધરલેન્ડ 98 રને અણનમ રહી જતાં સદી ચૂકી ગઈ હતી. બન્ને વચ્ચે 180 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. બેઉ ટીમ સેમિમાં પહોંચી ગઈ છે.