ભારતીય મહિલાઓનો પરાજયમાં પણ વિરલ વર્લ્ડ રેકૉર્ડ…
વન-ડેની સેકન્ડ-બૅટિંગમાં 369 રનનો વિશ્વવિક્રમ, મંધાનાની 50 બૉલમાં સેન્ચુરીનો ભારતીય વિક્રમ

નવી દિલ્હીઃ અહીં શનિવારે વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયા (10/412) સામે ભારત (10/369)નો હાઇ-સ્કોરિંગ નિર્ણાયક મુકાબલામાં માત્ર 43 રનથી પરાજય થયો હતો. ભારતીય ટીમ હારી તો ખરી, પરંતુ એ પહેલાં તેમણે બે વિક્રમ (record) નોંધાવ્યા હતા.
મહિલાઓની વન-ડેમાં શનિવાર પહેલાં સેકન્ડ-બૅટિંગમાં સાઉથ આફ્રિકાનો 6/321નો વિશ્વવિક્રમ હતો જે ભારતે 10/369ના સ્કોર સાથે તોડી નાખ્યો હતો. જો ભારતીય ટીમ જીતી ગઈ હોત તો ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) સામે પ્રથમ વખત વન-ડે શ્રેણીની ટ્રોફી જીતવાની સિદ્ધિ પણ ભારત (India)ને પ્રાપ્ત થઈ હોત, પરંતુ ભારતીય ટીમ 11મી શ્રેણી પણ હારી ગઈ.

વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ વન-ડેમાં માત્ર 50 બૉલમાં સેન્ચુરી ફટકારીને નવો ભારતીય વિક્રમ રચ્યો હતો. વન-ડેમાં ભારતીય મહિલાઓમાં આ ફાસ્ટેસ્ટ અને સમગ્ર મહિલા વન-ડે જગતમાં સેકન્ડ-ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. મેગ લેનિંગનો 45 બૉલની સેન્ચુરીનો વિશ્વવિક્રમ છે.
મંધાનાએ સિક્સરથી સદી પૂરી કરી હતી. તેના 100 રનમાં ચાર સિક્સર અને 14 ફોર સામેલ હતી. મંધાના 125 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ હતી જેમાં કુલ પાંચ છગ્ગા અને 17 ચોક્કા સામેલ હતા. ત્રીજી વિકેટ માટે તેની અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (બાવન રન) વચ્ચે 121 રનની ભાગીદારી થઈ હતી.
બન્ને દિગ્ગજ બૅટરની વિકેટ પડ્યા બાદ દીપ્તિ શર્મા (72 રન, 58 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને સ્નેહ રાણા (35 રન, 41 બૉલ, ત્રણ ફોર) વચ્ચે આઠમી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. આ બન્ને ઑલરાઉન્ડરે પણ વિજયની આશા અપાવી હતી અને ભારત 413 રનનો વિશ્વવિક્રમી લક્ષ્યાંક મેળવી લેશે એવું લાગતું હતું.
પરંતુ ઑસ્ટ્રેલિયન બોલર્સ કિમ ગર્થ (ત્રણ વિકેટ) તથા મેગન શટ (બે વિકેટ) તેમ જ તાહલિયા મૅકગ્રા (એક વિકેટ)ના તરખાટ સામે ભારતીય ટીમનું કંઈ નહોતું ચાલ્યું.
આખી મૅચમાં કુલ 781 રન બન્યા જે ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચેના વન-ડે ઇતિહાસમાં સર્વોચ્ચ છે.