આમચી મુંબઈસ્પોર્ટસ

IND W vs AUS W: આજે વાનખેડેમાં પ્રથમ મેચ, ભારતને 16 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે જીતની રાહ

મુંબઈ: સતત બે ટેસ્ટ મેચમાં મળેલી જીતથી ઉત્સાહિત ભારતીય મહિલા ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પોતાનો રેકોર્ડ સુધારવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડને રેકોર્ડ 347 રનથી હરાવ્યા બાદ ભારતીય ટીમે વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. હવે વનડે શ્રેણીની તમામ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

હરમનપ્રીત કૌરની આગેવામાં ભારતીય ટીમ આગામી મેચોમાં જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાને હરાવવાનું સરળ નહીં હોય, ODI ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો છે. ભારત ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી 21 ODI મેચોમાંથી માત્ર ચાર મેચ જીતી શક્યું છે, જ્યારે 17 મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને ફેબ્રુઆરી 2007થી ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી તમામ સાત મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


પરંતુ હવે ભારત પાસે હરમનપ્રીતના રૂપમાં નવી કેપ્ટન અને અમોલ મજુમદારના રૂપમાં નવા કોચ છે. ભારતીય ટીમ માટે 2025માં યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરવાની અને ઓસ્ટ્રેલિયા સામે પોતાનો રેકોર્ડ સુધારવાની આ તક છે.


સંભવિત પ્લેઇંગ-11:
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ, સાયકા ઈશાક/અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા.

ઑસ્ટ્રેલિયા: એલિસા હીલી (કેપ્ટન), બેથ મૂની, ફોબી લિચફિલ્ડ, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહિલા મેકગ્રા, જેસ જોનાસેન, અલાન્ના કિંગ, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, કિમ ગાર્થ/જ્યોર્જિયા વેરહામ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button