મહિલા વર્લ્ડ કપ: યજમાન ભારત અને નંબર વન ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ટક્કર…

વિશાખાપટનમના સ્ટેડિયમમાં પ્રેક્ષકો પણ વર્લ્ડ રેકૉર્ડ કરી શકે!
વિશાખાપટનમઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં રવિવારે (બપોરે 3.00 વાગ્યાથી) યજમાન ભારત (India) અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન તથા વર્લ્ડ નંબર વન ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ટક્કર છે. હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં ઑસ્ટ્રેલિયા મોખરે અને ભારત ત્રીજા સ્થાને છે.
ચાર પૉઇન્ટ ધરાવતી ભારતીય ટીમ ત્રણ દિવસ પહેલાં સાઉથ આફ્રિકા સામેના થ્રિલરમાં હારી જતાં સ્તબ્ધ થઈ ચૂકી છે, જ્યારે સૌથી વધુ પાંચ પૉઇન્ટ ધરાવતી ઑસ્ટ્રેલિયાની ટીમ આ ટૂર્નામેન્ટમાં હજી હારી નથી એટલે બુલંદ જોશ સાથે રમશે.
હરમનપ્રીત કૌર ભારતની અને અલીઝા હિલી ઑસ્ટ્રેલિયાની સુકાની છે. સ્મૃતિ મંધાનાએ ઍશ્લેઇ ગાર્ડનર સામે અત્યાર સુધીમાં 132 બૉલમાં 148 રન કર્યા છે, પરંતુ તેની સામે પાંચ વખત આઉટ થઈ ચૂકી છે. સ્મૃતિને 5,000 વન-ડે રન પૂરા કરવા ફકત 58 રનની જરૂર છે.

સ્પિનર દીપ્તિ શર્મા ત્રણ વિકેટ લેશે એટલે વન-ડેમાં તેની 150 વિકેટ પૂરી થશે. પેસ બોલર ક્રાંતિ ગૌડ અને હરીફ ટીમની સુકાની અલીઝા હિલી વચ્ચે જોરદાર ટક્કર થવાની પાકી સંભાવના છે.
મહિલાઓની આ મૅચમાં તમામ 15,087 ટિકિટ વેચાઈ ગઈ છે. સ્ટેડિયમમાં કુલ 26,000 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. જો આખું સ્ટેડિયમ ભરાઈ જશે તો આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપમાં લીગ મૅચમાં નવો વિશ્વ વિક્રમ રચાશે. હાલમાં આ રેકૉર્ડ ગુવાહાટીના સ્ટેડિયમ પાસે છે. આ વર્લ્ડ કપની પ્રારંભિક મૅચ જોવા કુલ 22,843 પ્રેક્ષકો આવ્યા હતા.