દુબઈ: અહીં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક અને રસાકસીભર્યા મુકાબલામાં ફક્ત 105 રન સુધી સીમિત રાખ્યા બાદ છ વિકેટના માર્જિનથી જીતીને સેમિ ફાઇનલ માટેની આશા જીવંત રાખી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (29 રને રિટાયર્ડ હર્ટ, 24 બૉલ, 34 બૉલ, એક ફોર) લડાયક ઇનિંગ્સ બાદ સ્ટમ્પ-આઉટથી બચવાના પ્રયાસમાં ક્રીઝમાં જ ઈજા પામી હતી અને પૅવિલિયનમાં પાછી જતી રહી હતી. જોકે પછીના જ બૉલમાં સજીવન સજના (એક બૉલમાં અણનમ ચાર રન) નામની બૅટરે વિનિંગ ફોર ફટકારી દીધી હતી.
ભારતને જીતવા ફક્ત 106 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. હરમનપ્રીત ઍન્ડ કંપનીએ 18.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 108 રન બનાવીને પાકિસ્તાન પરનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતીય મહિલાઓએ પાકિસ્તાનની ટીમને 16માંથી 13 ટી-20માં હરાવી છે અને ફક્ત ત્રણ મૅચમાં પરાજય જોયો છે.
ભારતે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (7 રન)ની વિકેટ બહુ વહેલી ગુમાવી હતી, પરંતુ સાથી-ઓપનર શેફાલી વર્મા (32 રન, 35 બૉલ, 49 મિનિટ, ત્રણ ફોર) અને જેમાઇમા રૉડ્રિગ્સ (23 રન, 28 બૉલ, 43 મિનિટ)ની જોડીએ બાજી સંભાળી લીધી હતી અને ધબડકો અટકાવ્યા બાદ બીજી વિકેટ માટે 43 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. ભારતને લક્ષ્યાંક બહુ નાનો (106 રન) મળ્યો હતો એટલે ખાસ કંઈ ચિંતા નહોતી, પરંતુ 16મી ઓવરમાં 80મા રને જેમાઇમાની વિકેટ પડી હતી અને પછીના જ બૉલમાં વિકેટકીપર રિચા ઘોષ (0) આઉટ થઈ જતાં થોડી ચિંતા વધી ગઈ હતી. જોકે ત્યાર બાદ હરમનપ્રીત અને દીપ્તિ શર્મા (સાત રન, આઠ બૉલ, 20 મિનિટ)ની જોડીએ 24 રનની પાર્ટનરશિપ કરી હતી.
પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
પેસ બોલર અરુંધતી રેડ્ડી (4-0-19-3)ને પ્લેયર ઑફ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
એ પહેલાં, પાકિસ્તાનની ટીમ બૅટિંગ લીધા બાદ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટ માત્ર 105 રન બનાવી શકી હતી. ફાતિમા સનાની ટીમે શરૂઆત ખરાબ કરી હતી અને એની ઇનિંગ્સનો અંત પણ નબળો રહ્યો હતો. પહેલા 33 રનમાં પાકિસ્તાની ટીમે ત્રણ વિકેટ ગુમાવી હતી તો છેલ્લા 35 રનમાં પણ ત્રણ વિકેટ ગુમાવી હતી.
પેસ બોલર અરુંધતી રેડ્ડી સૌથી સફળ બોલર બની હતી. તેણે 19 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ ઑફ-સ્પિનર શ્રેયંકા પાટીલે તેમ જ એક-એક વિકેટ પેસ બોલર રેણુકા સિંહ ઠાકુર, ઑફ-સ્પિનર દીપ્તિ શર્મા અને લેગ-સ્પિનર આશા શોભનાએ મેળવી હતી.
પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી શરૂઆતમાં ત્રણ વિકેટ બહુ સસ્તામાં ગુમાવી હતી.
ફાતિમા સનાની ટીમે શરૂઆતમાં જ પોતાના દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓને આંચકા આપ્યા હતા. આ ટીમે સાત ઓવરમાં ફક્ત 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતાં પાકિસ્તાની ટીમની છાવણીમાં સોપો પડી ગયો હતો. ત્રણમાંથી પહેલી વિકેટ રેણુકા સિંહ ઠાકુરે, બીજી વિકેટ દીપ્તિ શર્માએ અને ત્રીજી વિકેટ અરુંધતી રેડ્ડીએ લીધી હતી.
ઓપનર ગુલ ફિરોઝા (0)ને રેણુકા સિંહે ક્લીન બોલ્ડ કરી હતી, જ્યારે સિદરા અમીન (8)ને દીપ્તિ શર્માએ ક્લીન બોલ્ડ કરી હતી. ચોથા નંબરની બૅટર ઓમઇમા સોહેલ (3)ને રેડ્ડીએ મિડ-ઑફ પર શેફાલી વર્માના હાથમાં કૅચઆઉટ કરાવી હતી.
નિદા દરનાં 28 રન પાકિસ્તાનની ટીમમાં હાઈએસ્ટ હતા.
ભારતીય ટીમમાં પેસ બોલર પૂજા વસ્ત્રાકરનો સમાવેશ નથી, કારણકે નજીવી ઈજાને લીધે તેને ન રમાડીને ઑફ-સ્પિનર સજીવન સજનાને ઇલેવનમાં સમાવવામાં આવી છે.
પાકિસ્તાનની ટીમમાં લેગ-સ્પિનર સઇદા અરુબ શાહને પેસ બોલર ડાયના બેગના સ્થાને લેવામાં આવી છે.
ભારતીય ટીમમાં હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સજીવન સજના, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રેણુકા સિંહ ઠાકુરનો સમાવેશ હતો.
Taboola Feed