ભારતની મહિલાઓએ બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં વિસ્ફોટક બૅટિંગ સાથે પાકિસ્તાનને પછાડ્યું

કોલંબોઃ ભારતે શ્રીલંકામાં ચાલી રહેલા મહિલાઓ માટેના ટી-20 બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં શરૂઆતથી ખૂબ સારું પર્ફોર્મ કરીને (સતત ચારેય મૅચ જીતીને) શનિવારે સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો ત્યાર બાદ રવિવારે ભારત (India)ની મહિલા ટીમે પાકિસ્તાન (Pakistan)ની મહિલા ટીમને હરાવીને પાકિસ્તાન પરનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ ભારતની સેમિ ફાઇનલ બાવીસમી નવેમ્બરે રમાશે.
રવિવારે દીપિકા ટી. સી.ની કૅપ્ટન્સીમાં ભારતની મહિલા ટીમ માટે પાકિસ્તાન સામેની મૅચ હાઈ-વૉલ્ટેજ હતી. નિમરા રફીકના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમે આઠ વિકેટે 135 રન કર્યા હતા જેમાં મેહરીન અલીના 66 રન હાઇએસ્ટ હતા. ભારતની દમદાર બોલિંગ અને અસરદાર ફીલ્ડિંગને લીધે પાકિસ્તાની ટીમે શરૂઆતમાં 23 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પણ મેહરીનના 66 રન અને બુશરા અશરફના 44 રનની મદદથી ટીમને થોડી સધ્ધરતા મળી હતી.
આપણ વાચો: સુરતના ઉદ્યોગપતિએ વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમ માટે જાહેર કરી આ ભેટ સોગાદો…

બ્લાઇન્ડ (blind) મૅચમાં ત્રણ વર્ગના ખેલાડીઓ રમે છે. બી-1 કૅટેગરીમાં જરાય જોઈ ન શકતી ખેલાડીનો, બી-2 કૅટેગરીમાં આંશિક રીતે ચક્ષુહીન પ્રકારની ખેલાડીનો અને બી-3 કૅટેગરીમાં આંશિક રીતે જોઈ શકતી હોય એ પ્રકારની ખેલાડીનો સમાવેશ હોય છે.
રવિવારની મૅચમાં ભારતીય મહિલાઓની ફીલ્ડિંગ એટલી મજબૂત હતી કે પાકિસ્તાની ટીમે આઠમાંથી સાત વિકેટ રનઆઉટમાં ગુમાવી હતી. ભારતીય ફીલ્ડર્સે સચોટ થ્રો કર્યા હતા અને દરેક બૉલ પર હરીફની મૂવમેન્ટ પર તેમની નજર હતી અને ચપળતા પણ હતી.
તેમણે પોતાની તરફ આવતા બૉલને તરત પારખીને અને ઝડપથી ઉપાડીને સચોટ થ્રો કરવાની કાબેલિયત બતાવી હતી. પાકિસ્તાનને 15 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. ભારતની બોલર્સમાં ખાસ કરીને ફુલા સરેન, અનુ કુમારી અને ગંગા કદમનો બહુ સારો પર્ફોર્મન્સ હતો.
ભારતે 136 રનનો લક્ષ્યાંક કેટલાક વિસ્ફોટક પર્ફોર્મન્સની મદદથી આસાનીથી મેળવ્યો હતો. કૅપ્ટન દીપિકાએ માત્ર 21 બૉલમાં 214.29ના સ્ટ્રાઇક-રેટ સાથે 45 રન કર્યા હતા. રનઆઉટ થતાં પહેલાં તેણે આતશબાજીથી કોલંબોનું સ્ટેડિયમ ગજાવ્યું હતું. અનેખા દેવીએ 34 બૉલમાં 64 રન કર્યા હતા અને અણનમ રહી હતી.
આપણ વાચો: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યા, પણ મહિલા ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન! જાણો કોચ અમોલ મુઝુમદાર વિષે

તે આક્રમક અપ્રોચ સાથે રમી હતી અને ટાઇમિંગથી શૉટ માર્યા હતા. તેણે 188.24ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા. પાકિસ્તાની બોલર્સ ભારતીય બૅટર્સ સામે નબળી પુરવાર થઈ હતી અને ભારત 136 રનનો ટાર્ગેટ સહેલાઈથી મેળવીને ટીમ અપરાજિત રહી હતી. અનેખા દેવીને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. ભારત અને પાકિસ્તાનની ખેલાડીઓએ હાથ મિલાવ્યા હતા.
ભારતે આ મૅચ પહેલાં યજમાન શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, નેપાળ અને યુએસએની ટીમને હરાવી હતી.



