મેઘરાજાની મહેરબાનીઃ ભારતે 1-2ની હારનો બદલો 2-1ની જીતથી લઈ લીધો

સિરીઝની શરૂઆત વર્ષાથી થઈ અને વરસાદ ઉપરાંત વીજળીના ગડગડાટ સાથે આવ્યો અંતઃ અભિષેક મૅન ઑફ ધ સિરીઝ
બ્રિસ્બેનઃ અહીં શનિવારે ગૅબાના મેદાન પર ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી અને આખરી ટી-20 મૅચ વરસાદને કારણે ધોવાઈ જતાં ભારતે (India) સિરીઝ 2-1થી જીતી લીધી હતી. એ સાથે, ભારતે વન-ડે શ્રેણીમાં 1-2થી થયેલી હારનું ટી-20 સિરીઝ (Series)માં 2-1ની જીત સાથે સાટું વાળી લીધું અને ટ્રોફી જીતી લીધી. ભારતીય ટીમને ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમાનારા ટી-20 વર્લ્ડ કપ પહેલાં સારો આત્મવિશ્વાસ મળી ગયો છે.
બૅટિંગ-બોલિંગમાં કોણ મોખરે
ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)ને સૌથી વધુ 163 રન કરવા બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. શુભમન ગિલ 132 રન સાથે બીજા નંબર પર અને ટિમ ડેવિડ 89 રન સાથે ત્રીજા નંબરે હતો. બોલિંગમાં નૅથન એલિસ નવ વિકેટ સાથે અવ્વલ સ્થાને રહ્યો હતો. બીજા નંબરે વરુણ ચક્રવર્તી (પાંચ વિકેટ) અને ત્રીજા નંબરે અર્શદીપ સિંહ (ચાર વિકેટ) હતો.
આ પણ વાંચો: ગિલ ગાંડો થયો! પાંચ બૉલમાં ચાર ચોક્કા ફટકારી દીધા…
ભારતીય ટીમને કમબૅક ફળ્યું
29મી ઑક્ટોબરે પાટનગર કૅનબેરાના મનુકા ઓવલ મેદાન પર સિરીઝની પ્રથમ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી. ત્યાર પછી ત્રણ મૅચ રમાઈ જેમાં ભારતે મૅચ નંબર-ટૂ હારી ગયા બાદ જોરદાર કમબૅક કરીને ઉપરાઉપરી બે મૅચ જીતીને શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી અને શનિવારે બ્રિસ્બેનમાં અંતિમ મૅચ બૅડલાઇટ તેમ જ વરસાદના વિઘ્નો અને વીજળીના ગડગડાટ વચ્ચે અનિર્ણીત જાહેર કરવામાં આવતાં શ્રેણીનો વહેલો અંત આવી ગયો.

ગિલના પાંચ બૉલમાં ચાર ચોક્કા
ભારતને પ્રથમ બૅટિંગ મળી હતી અને ઓપનર્સ શુભમન ગિલ (29 અણનમ, 16 બૉલ, છ ફોર) તથા અભિષેક શર્મા (23 અણનમ, 13 બૉલ, એક સિક્સર, એક ફોર)ની જોડી વચ્ચે બાવન રનની અતૂટ ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે 4.5 ઓવરમાં ભારતનો સ્કોર 0/52 હતો ત્યારે રમત અટકાવવામાં આવી હતી અને પછી શરૂ જ નહોતી કરી શકાઈ. ગિલે એક તબક્કે પેસ બોલર બેન ડ્વારશુઇસની એક ઓવરમાં પાંચ બૉલમાં ચાર ચોક્કા ફટકારી દીધા હતા. ત્યારે તેણે ટીમનો સ્કોર 0/19 પરથી સીધો 0/35 ઉપર પહોંચાડી દીધો હતો.
આ પણ વાંચો: ભારતીય ટીમને એશિયા કપ ટ્રોફી વહેલાસર મળી જશે, બન્ને દેશ વિકલ્પ શોધવા સંમત…
અભિષેકને 13 બૉલની ઇનિંગ્સમાં બે જીવતદાન
પહેલી જ ઓવરમાં ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક છ રન પર હતો ત્યારે તેને આઉટ કરવાનો ઑસ્ટ્રેલિયાને સારો મોકો હતો. ગ્લેન મૅક્સવેલે બેઠાં બેઠાં ઝીલી શકાય એવો તેનો આસાન કૅચ છોડ્યો હતો. ત્યાર બાદ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અભિષેક 11 રન પર હતો ત્યારે બેન ડ્વારશુઇસના હાથે તેને જીવતદાન મળ્યું હતું. ત્રણ જ બૉલ બાદ અભિષેકે ઊંચી સિક્સર ફટકારીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું.
રિન્કુને સિરીઝમાં બૅટિંગ જ ન કરવા મળી
વર્લ્ડ નંબર-થ્રી બૅટ્સમૅન તિલક વર્માને આ મૅચમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને રિન્કુ સિંહને સિરીઝમાં પહેલી વાર રમવાની તક અપાઈ હતી. જોકે મૅચ ધોવાઈ જતાં તેને સિરીઝમાં જરાય નહોતું રમવા મળ્યું. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરના એશિયા કપમાં રિન્કુને છેક પાકિસ્તાન સામેની ફાઇનલમાં રમવાની તક મળી હતી અને એમાં તેને માત્ર એક બૉલ રમવા મળ્યો હતો જેમાં તેણે વિનિંગ ફોર ફટકારી હતી.



