સ્પોર્ટસ

મોહમ્મદ કૈફથી આયુષ મ્હાત્રે સુધીની સુવર્ણ સફરઃ ભારત છ વખત અન્ડર-19માં વર્લ્ડ ચૅમ્પિયન…

હરારેઃ ભારતે મેન્સ અન્ડર-19 વન-ડે ક્રિકેટમાં શુક્રવારે છઠ્ઠી વખત વર્લ્ડ કપનો તાજ જીત્યો જે વિશ્વવિક્રમ છે અને આ રેકૉર્ડ-બ્રેક સફરમાં મોહમ્મદ કૈફથી માંડીને આયુષ મ્હાત્રે સુધીના છ સફળ સુકાનીનો સમાવેશ છે. ભારતે છઠ્ઠું ટાઇટલ શુક્રવારે ઝિમ્બાબ્વેના હરારેમાં ઇંગ્લૅન્ડને 100 રનથી હરાવીને જીતી લીધું હતું. ભારતે ટૉસ જીત્યા બાદ 50 ઓવરમાં નવ વિકેટે 411 રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લૅન્ડ (England)ની ટીમ 40.2 ઓવરમાં 311 રનના ટોટલ પર ઑલઆઉટ થઈ હતી.

બન્ને અવૉર્ડ વૈભવ સૂર્યવંશીનેઃ પાકિસ્તાનીનો વિક્રમ તોડ્યો

શુક્રવારે 80 બૉલમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગાની મદદથી 175 રન કરનાર વૈભવ (Vaibhav) સૂર્યવંશીને મૅન ઑફ ધ ફાઇનલનો તેમ જ આ વર્લ્ડ કપમાં સેક્નડ-હાઇએસ્ટ 439 રન કરવા બદલ તેમ જ ઘણી મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવા બદલ મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 175 રન કરીને ટી-20ના નૉકઆઉટ રાઉન્ડમાં હાઇએસ્ટ રનનો પાકિસ્તાની પ્લેયર સમીર મિન્હાસનો 172 રનનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.

વૈભવના વર્લ્ડ રેકૉર્ડ

14 વર્ષની સૌથી નાની વયે અન્ડર-19ની મૅચમાં સેન્ચુરી ફટકારનાર વૈભવે આઇસીસી ઇવેન્ટની ફાઇનલમાં (જુનિયર કે સિનિયર લેવલમાં) 175 રનનો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કર્યો છે. યુથ ઓડીઆઇની એક ઇનિંગ્સમાં સૌથી વધુ 15 સિક્સરનો વર્લ્ડ રેકૉર્ડ પણ તેણે રચ્યો છે. એક વન-ડેમાં 15 સિક્સર + 15 ફોર = 150 રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ પણ હવે વૈભવના નામે છે.

ભારતના છ જુનિયર વર્લ્ડ ટાઇટલ

(1) 2000માં પ્રથમ ટાઇટલઃ કૅપ્ટન મોહમ્મદ કૈફ (2) 2008માં બીજું ટાઇટલઃ કૅપ્ટન વિરાટ કોહલી (3) 2012માં ત્રીજું ટાઇટલઃ કૅપ્ટન ઉનમુક્ત ચંદ (4) 2018માં ચોથું ટાઇટલઃ કૅપ્ટન પૃથ્વી શૉ (5) 2022માં પાંચમું ટાઇટલઃ કૅપ્ટન યશ ધુલ અને (6) 2026માં છઠ્ઠું ટાઇટલઃ કૅપ્ટન આયુષ મ્હાત્રે.

આ પણ વાંચો…સૂર્યવંશીએ ભારતને અપાવ્યો અન્ડર-19 વર્લ્ડ કપનો છઠ્ઠો તાજ…

ઋષિકેશ કાનિટકરના કોચિંગમાં જીત્યા

ભારતની અન્ડર-19 ટીમે આ વખતે ભૂતપૂર્વ સ્પિન-ઑલરાઉન્ડર અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમંત કાનિટકરના પુત્ર ઋષિકેશ કાનિટકરના કોચિંગમાં વિશ્વ કપના ટાઇટલની સિદ્ધિ મેળવી છે. તેના પ્રશિક્ષણમાં ભારતીય ટીમે 9/411 રનનો હાઈએસ્ટ સ્કોર નોધાવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button