બ્લાઇન્ડ ક્રિકેટમાં ભારતની મહિલા ક્રિકેટરોએ રચ્યો ઇતિહાસ…

સૌથી પહેલો ટી-20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ ભારતે જીતી લીધો
કોલંબોઃ મહિલાઓ માટે પહેલી વાર યોજવામાં આવેલો ટી-20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ ભારતે જીતી લીધો છે. કોલંબોના પી. સારા ઓવલ સ્ટેડિયમની ફાઇનલમાં ભારતની ટીમે નેપાળની ટીમને સાત વિકેટે પરાજિત કરી હતી.
2007માં એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં મેન્સ ટી-20નો સૌપ્રથમ વર્લ્ડ કપ ભારતે જીતી લીધો એવી જ સિદ્ધિ ભારતની મહિલા ક્રિકેટરોએ રવિવારે બ્લાઇન્ડ ટી-20 વિશ્વ કપ (World cup) જીતીને હાંસલ કરી છે. બીજી નવેમ્બરે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારત (India)ની મુખ્ય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લીધી ત્યાર બાદ હવે બ્લાઇન્ડ (Blind) મહિલા ક્રિકેટમાં પણ દેશ માટે સોનાનો સૂરજ ઊગ્યો છે.
ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી અને નેપાળની ટીમને 5/114 સુધી સીમિત રાખી હતી. ત્યાર બાદ ભારતીય ટીમે માત્ર 12 ઓવરમાં ત્રણ વિકેટે 117 રન કરીને વિજય મેળવ્યો હતો અને ઐતિહાસિક ટાઇટલ જીતી લીધું હતું.
ભારત વતી ફુલા સરેન નામની બૅટરે અણનમ 44 રન કર્યા હતા. ટીમમાં તેનો આ સ્કોર હાઇએસ્ટ હતો અને તેણે પ્લેયર ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ જીતી લીધો હતો. શનિવારની સેમિ ફાઇનલમાં ભારતે ઑસ્ટ્રેલિયાને અને નેપાળે પાકિસ્તાનને હરાવ્યું હતું. યજમાન શ્રીલંકા ફક્ત એક મૅચ જીતી શક્યું હતું. પાંચ મૅચમાં એનો માત્ર યુએસએ સામે વિજય થયો હતો.
બ્લાઇન્ડ ક્રિકેટરોની મૅચમાં સંપૂર્ણપણે જોઈ ન શક્તી તેમ જ આંશિક રીતે જોઈ શકતી ખેલાડીઓ રમતી હોય છે.



