ભારત-વેસ્ટ ઇન્ડિઝની બીજી ટેસ્ટની પિચ કેવી હશે? સ્પિનરને આ દિવસથી ટર્ન મળશે… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારત-વેસ્ટ ઇન્ડિઝની બીજી ટેસ્ટની પિચ કેવી હશે? સ્પિનરને આ દિવસથી ટર્ન મળશે…

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બૅટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને લગભગ ત્રીજા દિવસથી ટર્ન મળવાના શરૂ થશે. ભારત (India) સિરીઝમાં 1-0થી આગળ છે. અમદાવાદમાં ભારતે અઢી દિવસમાં એક દાવ અને 140 રનથી વિજય મેળવ્યો હતો.

અરુણ જેટલી સ્ટેડિયમના ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ પરની મુખ્ય પિચ પરંપરાગત રીતે કાળી માટીથી બનાવવામાં આવી છે. વિશેષ કરીને આ ટેસ્ટ માટે આખી પિચ (Pitch) નવેસરથી બનાવવામાં આવી છે. ખાસ કરીને પહેલા બે દિવસ આ પિચ બૅટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહેશે. ટૉસ જીતનારી ટીમ પહેલાં બૅટિંગ પસંદ કરશે તો નવાઈ નહીં લાગે. સમય જતાં (લગભગ ત્રીજા દિવસથી) સ્પિનરને પિચ પર વધુ ટર્ન મળવા લાગશે.

આપણ વાંચો: વેસ્ટ ઇન્ડિઝનું ટેસ્ટ ક્રિકેટમાં પતન ` કૅન્સર’ જેવુંઃ ભૂતપૂર્વ કૅપ્ટન

ટૂંકમાં, પહેલા બે દિવસે બૅટ્સમેનોનું રાજ રહેશે અને એમાં બેમાંથી જે ટીમ ઢગલો રન કરશે એને એક દાવથી અથવા મોટા માર્જિનથી જીતવાની તક મળશે. જોકે પરંપરાગત રીતે દિલ્હીની પિચ સ્લો ટર્નર તરીકે જાણીતી છે અને દિવસ જતાં એના પર સ્પિનર્સનો પ્રભાવ વધતો જાય છે. ભારત પાસે કુલ ચાર સ્પિનર છેઃ કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદર.

બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ` થોડા સમય પહેલાં આ જ ગ્રાઉન્ડ પર ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ 50 બૉલમાં 100 રન કર્યા હતા. જોકે ભારત-વેસ્ટ ઇન્ડિઝ (West Indies) ટેસ્ટ માટેની પિચ એનાથી અલગ હશે. જો વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમેનો સારું પર્ફોર્મ કરશે તો મૅચ (અમદાવાદની ટેસ્ટની માફક) ત્રણ દિવસની અંદર પૂરી નહીં થાય. સ્થાનિક ક્યુરેટર અંકિત દત્તા દિલ્હીની પિચ બનાવડાવી રહ્યા છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button