પહેલો દિવસ યશસ્વીનો, હવે બીજા દિવસે ત્રીજી ડબલ સેન્ચુરી ફટકારશે?
સ્પોર્ટસ

પહેલો દિવસ યશસ્વીનો, હવે બીજા દિવસે ત્રીજી ડબલ સેન્ચુરી ફટકારશે?

યુવાન ઓપનરની રાહુલ સાથે 58 રન, સુદર્શન સાથે 193 રન અને ગિલ સાથે 67 રનની અતૂટ ભાગીદારી

નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ગયા અઠવાડિયે પ્રથમ ટેસ્ટ ત્રીજા દિવસે એક દાવથી જીતી લીધી હતી અને ત્યાર બાદ હવે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં ફિરોજશા કોટલા (Kotla) ગ્રાઉન્ડ પર બીજી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)ના પ્રારંભિક દિવસે પણ ભારતીય ટીમે સંભવિત બીજા વિજય માટેનો મજબૂત પાયો નાખ્યો હતો.

પહેલા દિવસની રમતના અંત સુધીમાં ભારતે (India) પ્રથમ દાવમાં માત્ર બે વિકેટના ભોગે 318 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલ (173 નૉટઆઉટ, 253 બૉલ, બાવીસ ફોર) શુક્રવારનો સુપરસ્ટાર હતો.

યશસ્વી (Yashasvi)એ પોતાની દરેક પ્રકારની ટૅલન્ટ દિલ્હીના મેદાન પર પ્રદર્શિત કરી હતી. તેણે એક પણ ખરાબ શૉટ નહોતો માર્યો. લગભગ પોણાબસો રનની તેની ઇનિંગ્સમાં એક પણ સિક્સર નહોતી, પરંતુ બાવીસ ફોર સામેલ હતી. તેણે સાતમી ટેસ્ટ સદી ફટકારી હતી. પાછલી છ સદીમાં બે ડબલ હતી અને હવે તેને ત્રીજી ડબલ સેન્ચુરીનો મોકો છે.

સૌથી પહેલાં તો કે. એલ. રાહુલ (38 રન, 54 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે પહેલી વિકેટ માટે તેની 105 બૉલમાં 58 રનની, સાઇ સુદર્શન (87 રન, 165 બૉલ, 12 ફોર) સાથે બીજી વિકેટ માટે 306 બૉલમાં 193 રનની અને પછી કૅપ્ટન શુભમન ગિલ (20 નૉટઆઉટ, 68 બૉલ, ત્રણ ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 129 બૉલમાં 67 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ઑસ્ટ્રેલિયાના છ બોલરમાંથી માત્ર લેફ્ટ-આર્મ સ્પિનર જૉમેલ વૉરિકૅન વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રાહુલ અને સુદર્શનની વિકેટ તેણે લીધી હતી. જોકે ખુદ વૉરિકૅને એક કૅચ છોડ્યો હતો.

યશસ્વીના 50, 100, 150 રન કેટલા બૉલમાં?

શુભમન ગિલે શુક્રવારે સવારે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને યશસ્વી જયસ્વાલે તેના એ નિર્ણયને યોગ્ય સાબિત કર્યો હતો. યશસ્વીએ 50 રન 82 બૉલમાં, 100 રન 145 બૉલમાં અને 150 રન 224 બૉલમાં પૂરા કર્યા હતા.

સતત બીજી મૅચ એક દાવથી જીતવાનો મોકો

ભારતે અમદાવાદમાં કૅરિબિયનો સામેની પ્રથમ મૅચ એક ઇનિંગ્સ અને 140 રનથી જીતી લીધી હતી. હવે દિલ્હીમાં પણ એક દાવથી વિજય મેળવીને નવી સિદ્ધિ મેળવવાની ટીમ ઇન્ડિયાને તક છે.

સુદર્શને સિલેક્ટરોનો વિશ્વાસ ખોટો ન પડવા દીધો

ભારતે પ્રથમ ટેસ્ટની જ ટીમ જાળવી રાખી છે. ટીમ મૅનેજમેન્ટે તેમ જ ખાસ કરીને સિલેક્ટરોએ વન-ડાઉન બૅટ્સમૅન સાઇ સુદર્શન (87 રન)ની ટૅલન્ટ પર જે વિશ્વાસ જાળવી રાખ્યો એને તેણે ખોટો ન પડવા દીધો, કારણકે શુક્રવારે યશસ્વીની ત્રણમાંથી સૌથી મોટી ભાગીદારી સુદર્શન સાથેની હતી.

કે. એલ. રાહુલની વિકેટ પડ્યા બાદ સુદર્શને યશસ્વીને બહુ સારો સાથ આપ્યો હતો અને તેમણે ભારતની શરૂઆતની સાવચેતીભરી ઇનિંગ્સને વેગવાન બનાવી હતી. સુદર્શન પ્રથમ સેન્ચુરી 13 રન માટે ચૂકી ગયો હતો, પણ ભારત જો આ મૅચ આસાનીથી જીતશે તો એમાં સુદર્શનનું નામ જરૂર લેવાશે.

આ પણ વાંચો…ભારત 38 વર્ષથી દિલ્હીમાં ટેસ્ટ નથી હાર્યું, આજથી વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી મૅચ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button