વેસ્ટ ઇન્ડિઝ 31 વર્ષથી ભારતમાં ટેસ્ટ નથી જીત્યુંઃ ગુરુવારથી પ્રથમ મુકાબલો…

અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે (સવારે 9.30 વાગ્યાથી) ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (west indies) વચ્ચે બે મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટ (test) શરૂ થશે અને એમાં જો શુભમન ગિલ ઍન્ડ કંપની પરાજિત થશે તો રૉસ્ટન ચેઝ અને તેની ટીમ નવો ઇતિહાસ રચશે.
વેસ્ટ ઇન્ડિઝ છેલ્લે 1994માં કોર્ટની વૉલ્શના સુકાનમાં ભારત (india)માં ટેસ્ટ જીત્યું હતું. ત્યારે મોહાલીમાં મોહમ્મદ અઝહરુદ્દીનની કૅપ્ટન્સીમાં ભારતનો 243 રનથી પરાજય થયો હતો. ત્યાર બાદ ભારતમાં કૅરિબિયનો 10 ટેસ્ટ રમ્યા છે જેમાંથી બે ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે અને બાકીની આઠ ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે.
જોકે એ 10માંથી એક પણ ટેસ્ટ અમદાવાદમાં નહોતી રમાઈ. ગુરુવારે શરૂ થનારી ટેસ્ટમાં બન્ને દેશની ટીમ નજીકના ભૂતકાળમાં અન્ય ટીમો સામે પરાજિત થઈને આ સિરીઝમાં રમવા આવી છે. ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાના 1-3ના પરાજયવાળા નિરાશાજનક પ્રવાસ બાદ ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી હાર જોઈ હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ઑસ્ટ્રેલિયા સામે હારીને આવી છે.
બન્ને દેશની સંભવિત ટીમઃ
ભારતઃ ગિલ (કૅપ્ટન), યશસ્વી, રાહુલ, સુદર્શન, જુરેલ (વિકેટકીપર), અક્ષર/નીતીશ/પડિક્કલ, જાડેજા, વૉશિંગ્ટન, કુલદીપ/ક્રિષ્ના, બુમરાહ અને સિરાજ.
વેસ્ટ ઇન્ડિઝઃ રૉસ્ટન ચેઝ (કૅપ્ટન), તેજનારાયણ ચંદરપૉલ, કેવલૉન ઍન્ડરસન, ઍલિક અથાનેઝ, બે્રન્ડન કિંગ, શાઇ હોપ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્ઝ, ખૅરી પિયેર, જૉમેલ વૉરિકૅન, ઍન્ડરસન ફિલિપ/જોહાન લેની અને જેડન સીલ્ઝ.