ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે નવો વિક્રમ, સૌથી ઓછા બૉલમાં પરાજિત કર્યું…

અમદાવાદઃ શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટેસ્ટ ટીમે અહીં શનિવારે રોસ્ટન ચેઝના નેતૃત્વમાં રમવા આવેલી વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની ટીમને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં માત્ર અઢી દિવસમાં હરાવીને મુકાબલાનો બહુ વહેલો અંત તો લાવી જ દીધો, ભારતીય ટીમે બન્ને દેશ વચ્ચેના 77 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં અનોખો વિક્રમ પણ રચ્યો છે.
ભારત (India) સામે વેસ્ટ ઇન્ડિઝ અત્યાર સુધીમાં કુલ 101માંથી 24 ટેસ્ટ હાર્યું છે, પરંતુ અમદાવાદની મૅચનું પરિણામ વેસ્ટ ઇન્ડિઝના માથે મોટો કલંક છે. તેઓ ભારત સામેની આ ટેસ્ટ (Test)માં કુલ મળીને કુલ મળીને પૂરી 90 ઓવર પણ નહોતા રમી શક્યા જે નવો રેકૉર્ડ છે. બીજી રીતે કહીએ તો કૅરિબિયનોએ આ ટેસ્ટમાં કુલ મળીને માત્ર 536 બૉલનો સામનો કર્યો હતો. એ રીતે, બન્ને દેશ વચ્ચેના ઇતિહાસમાં કૅરિબિયનોએ સૌથી ઓછા બૉલ રમીને ભારત સામે પરાજય સ્વીકાર્યો.
એશિયા કપના ઓવરડોઝ પછી તરત જ ટેસ્ટ-જંગ
અમદાવાદમાં ગુરુવારે સવારે હજી તો સિરીઝ શરૂ થઈ અને શનિવારે બપોરે પૂરી પણ થઈ ગઈ. એશિયા કપમાં ભારતના રવિવાર, 28મી સપ્ટેમ્બરના ચૅમ્પિયનપદ અને ત્યાર પછી ટ્રોફીને લગતું જે નાટક પાકિસ્તાને કર્યું એના ઓવરડોઝમાંથી ક્રિકેટપ્રેમીઓ હજી માનસિક રીતે બહાર આવી રહ્યા હતા ત્યાં કૅરિબિયનો સામે ટેસ્ટ-શ્રેણી શરૂ થઈ ગઈ જેમાં અમદાવાદનું સ્ટેડિયમ મોટા ભાગે ઘણું ખાલી રહ્યું હતું. જોકે ટેસ્ટના રસિયાઓમાં ખૂબ રોમાંચ જોવા મળ્યો હતો.
એક દાવથી વિજય, જાડેજા મૅન ઑફ ધ મૅચ
બીજી ઑક્ટોબરે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ વેસ્ટ ઇન્ડિઝે પસંદ કરેલી બૅટિંગ સાથે શરૂ થઈ હતી. ભારતની બેસ્ટ-ટેસ્ટ ટીમ હતી, જ્યારે કૅરિબિયનોની ટીમ સેક્નડ-ગે્રડ હતી. તેમણે પ્રથમ દાવમાં 162 રન કર્યા હતા જેમાં જસ્ટિન ગ્રીવ્ઝના 32 રન હાઇએસ્ટ હતા. મોહમ્મદ સિરાજે ચાર, જસપ્રીત બુમરાહે ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતે જવાબમાં 5/448ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો.

જેમાં ધ્રુવ જુરેલ (125 રન), વાઇસ-કૅપ્ટન રવીન્દ્ર જાડેજા (104 અણનમ) અને કે. એલ. રાહુલ (100 રન) તેમ જ શુભમન ગિલ (50 રન)ના સૌથી મોટા યોગદાન હતા. યશસ્વી જયસ્વાલે 36 રન બનાવીને રાહુલ જોડે 68 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. કૅપ્ટન રૉસ્ટન ચેઝે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ભારતે 286 રનની સરસાઈ લીધી હતી. શનિવારે બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફક્ત 146 રનના સ્કોર પર આઉટ થઈ જતાં ભારતનો એક ઇનિંગ્સ અને 140 રનથી વિજય થયો. જાડેજાએ ચાર, સિરાજે ત્રણ, કુલદીપે બે અને વૉશિંગ્ટને એક વિકેટ લીધી હતી. જાડેજાને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ (મૅચમાં કુલ ચાર વિકેટ અને અણનમ 104 રન) બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝ સામેના ભારતના સૌથી વહેલા વિજય
(1) 4 ઑક્ટોબર 2025, અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝનો કુલ 536 બૉલ રમ્યા બાદ પરાજય
(2) 4 ઑક્ટોબર 2018, રાજકોટમાં વેસ્ટ ઇન્ડિઝનો કુલ 593 બૉલ રમ્યા બાદ પરાજય
(3) 22 ઑગસ્ટ 2019, નૉર્થ સાઉન્ડમાં વેસ્ટ ઇન્ડિઝનો 607 બૉલ રમ્યા બાદ પરાજય
(4) 14 નવેમ્બર 2013, વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝનો 614 બૉલ રમ્યા બાદ પરાજય
(5) 30 જૂન 2006, કિંગસ્ટનમાં વેસ્ટ ઇન્ડિઝનો 619 બૉલ રમ્યા બાદ પરાજય
કૅપ્ટન ગિલે જીત્યા પછી શું કહ્યું?
ભારતે બે મૅચની શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી છે. બીજી ટેસ્ટ શુક્રવાર, 10મી ઑક્ટોબરથી દિલ્હીમાં રમાશે. ભારત આ સિરીઝ 2-0થી જીતી લેવા માટે ફેવરિટ ગણાય છે. આ શ્રેણી પછી ભારતના કેટલાક ટેસ્ટ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાના વન-ડે તથા ટી-20 પ્રવાસે જશે. કૅપ્ટન શુભમન ગિલે અમદાવાદમાં વિજય મેળવ્યા પછી કહ્યું, ` ખરું કહું તો અમારા માટે આ પરફેક્ટ ગેમ હતી. મૅચમાં ભારત વતી ત્રણ સેન્ચુરી થઈ અને અમારી ફીલ્ડિંગ પણ સારી હતી. આ બધુ જોતાં ટીમ બાબતમાં મારી કોઈ જ ફરિયાદ નથી.
આ પણ વાંચો…રાહુલ-જુરેલે સેન્ચુરી કોને સમર્પિત કરી?: જાડેજાની જૂની ને જાણીતી સ્ટાઇલ પણ જોવા જેવી છે!